રાજકારણથી પર,સંબંધોની સંવેદનાઃ યશકુમારસિંહ રાજેશ્વરીબા ગોહિલને શ્રદ્ધાંજલિ આપવા પરીમલ નથવાણી લીમડા પહોંચ્યા : પરીમલ નથવાણીએ ગોહિલ પરિવારને મળીને વ્યક્ત કરી ઊંડી સંવેદના
લીમડા (હનુભાના) ગામે આજે સમય જાણે થંભી ગયો હોય તેમ વાતાવરણમાં મૌન અને વેદનાનો ઘેરો પડછાયો છવાયેલો રહ્યો હતો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના નાનાભાઈ સ્વ. દુર્ગેશભાઈ ગોહિલના પુત્ર યશકુમારસિંહ ગોહિલ તથા તેમની ધર્મપત્રી રાજેશ્વરીબા (ભાગ્યશ્રીબા) ગોહિલના અચાનક અને દુઃખદ અવસાને એક હસતો-ખેલતો પરિવાર પળભરમાં વિખેરી નાખ્યો
છે.
આ હૃદયદ્રાવક ઘટનાએ માત્ર એક પરિવારને નહીં,પરંતુ સમગ્ર સમાજને અંદરથી ઝંઝોળી નાંખ્યો છે.આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ગ્રુપના પરીમલ નથવાણી લીમડા (હનુભાના) ગામે આવી પહોંચ્યા હતા. તેમણે દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શક્તિસિંહ ગોહિલ તથા પરિવારજનોને મળીને દુઃખની આ અસહ્ય ઘડીમાં માનવિય સંવેદના સાથે સહભાગી બન્યા હતા.
કોઈરાજકીય ભાષણ નહીં,કોઈ ઔપચારિકતા નહીં માત્ર મૌન,આંખોમાં આંસુ અને દિલમાંથી નીકળતી લાગણી. શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વેળાએ પરીમલ નથવાણીએ જણાવ્યું હતું કે,“આવો આઘાત કોઈ પણ પરિવાર માટે શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવો નથી.એકસાથે બે જીવનું અકાળ અવસાન એ એવો ખાલીપો છોડી જાય છે જે ક્યારેય પૂરો થઈ શકતો નથી.” તેમણે ઉમેર્યું હતું કે,આ દુઃખની ઘડીમાં સમગ્ર સમાજ ગોહિલ પરિવારની.સાથે ઊભો છે.લીમડા ગામે આ પ્રસંગે દરેક ચહેરા પર મૌન વેદના દેખાતી હતી.“કોણ કોને સાંત્વના આપે” તેવી સ્થિતિ સર્જાઈ હતી.આંખો બોલતી હતી,પરંતુ શબ્દો ટૂંકા પડતા હતા.
ગામની ગલીઓ,આંગણાં અને હ્રદયોમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો જીવન કેટલું ક્ષણભંગુર છે. આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ માનવીય સંબંધોની નાજુકતાની કરુણ યાદ છે. યશકુમારસિંહ અને રાજેશ્વરીબા ગોહિલના અવસાનથી જે ખાલીપો સર્જાયો છે તે કદી પૂરાઈ શકશે નહીં.સમગ્ર સમાજ તરફથી દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને ઈશ્વર શોકસંતમ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















