ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા ત્રીજા વર્ષના પરિણામોમાં એક્સલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની ઝળકી
ભાજપ અગ્રણી યુનુસભાઈ મહેતરની પૌત્રીએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ બદલ ઠેર-ઠેરથી અભિનંદનનો વરસાદ
વલભીપુર તાલુકાના હળિયાદ ગામના મહેતર પરિવારની દીકરી સુજાન ઇમરાનભાઈ મહેતરે નર્સિંગ ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પરિવાર અને મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા નર્સિંગના ત્રીજા વર્ષના પરિણામોમાં ભાવનગરની એક્સલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની સુજાને કોલેજમાં સૌથી વધુ ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
શિક્ષણ પ્રત્યેનો લગાવ અને પરિવારનું પીઠબળસુજાન મહેતરે પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ (ધોરણ 1 થી 12) ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. તેમની આ સફળતા પાછળ તેમની સખત મહેનત, અવિરત લગન અને માતા-પિતાની દુઆઓ તેમજ શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન રહેલું છે. સુજાનના પિતા ઇમરાનભાઈ મહેતર વલભીપુરમાં ‘દેવ ઓઈલ મિલ’ ચલાવે છે અને ભાજપ સાથે સંકળાયેલા છે.
રાજકીય અને સામાજિક આગેવાનોએ પાઠવ્યા અભિનંદન
નોંધનીય છે કે સુજાન મહેતર વલભીપુર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય, ગુજરાત હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટર અને હાલના ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ મહેતરની પૌત્રી છે.
દીકરીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ એક્સલ નર્સિંગ કોલેજના સંચાલકો, પ્રિન્સિપાલ, અધ્યાપકો તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર
















