જીવદયા હોસ્પિટલ અગિયાળીમાં પશુ પક્ષીઓની નહિં, પરમાત્માની સેવા થઈ રહી છે : જગતગુરુ શંકરાચાર્ય
જીવદયા હોસ્પિટલ અગિયાળીની મુલાકાત લેતા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી
ભાવનગર , તા. ૧૩/૧૦/૨૦૨૪
ભાવનગરના સિહોર તાલુકાના અગિયાળી ખાતે આવેલ પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલની અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આજે તા.૧૩મી ઓક્ટોબર રવિવારે મુલાકાત લીધી હતી.
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે અબોલ પશુઓ અને પક્ષીઓની વિનામુલ્યે સારવાર ઉપચાર ઓપરેશન પુનઃવસન સેવા અંગે માહિતી મેળવી હતી. અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જીવદયા સેવામાં જોડાયેલા તમામને આશિર્વાદ આપ્યા હતા.
પૂજ્ય શંકરાચાર્ય મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, દરેક જીવ માત્રમાં પરમાત્મા વસે છે. અહીં જીવદયા હોસ્પિટલ અગિયાળીમાં પશુ પક્ષીઓની નહિં પરંતુ પરમાત્માની સેવા થાય છે. આ સેવા અનન્ય છે. જીવદયા સેવાનો વેગ અને વ્યાપ વધે તે સમયનો તકાદો છે.
પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલના સંચાલક અને સ્ટાફ પરિવારે પૂજ્ય શંકરાચાર્ય, ગોપનાથ મહાદેવ જગ્યાના ગાદીપતિ પૂ.સીતારામબાપુ તથા ઉપસ્થિત સંતો મહંતશ્રીઓનું ફુલહારથી સ્વાગત કરી આશિર્વાદ મેળવ્યા હતા.