અગિયાળી જીવદયા હોસ્પિટલની તબીબી ટીમે સતત ૬ કલાક ઓપરેશન હાથ ધરી ભાલા સાથે અંદાજે ૨૫ કિલો પ્લાસ્ટિક, લોખંડ, કચરો પણ પેટમાંથી કાઢ્યો
જીવદયા સેવામાં અગિયાળી, દેવગાણા, ટાણા, પાલિતાણા, સિહોરના સેવાભાવી લોકો મોટી સંખ્યામાં જોડાયા
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે કોઈ વિકૃત વ્યક્તિએ લોખંડનો મોટો ભાલો આખલાના પેટમાં મારી દીધો હતો.
ભાલો પેટમાં વાગતા અસહ્ય પીડા સાથે આખલા એ આખા ગામમાં રમખાણ મચાવી હતી. આખલો વિફરતા ગામ લોકોમાં નાસભાગ મચી હતી.
ગૌપ્રેમીઓ એ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ પરિસ્થિતિ સંભાળી હતી. દરમિયાન પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી રેસ્ક્યુ ટિમને જાણ કરતા સેવાભાવી લોકોની મદદથી આખલાને જીવદયા હોસ્પિટલ અગિયાળી ગામમાં લવાયો હતો.
ગૌપ્રેમી સેવાભાવી લોકો વાહન દ્વારા પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલ અગિયાળી ખાતે આખલાને લઈ ગયા હતા.
લોખંડનો મોટો તિક્ષ્ણ ભાલો પેટમાંથી બહાર કાઢી આખલાને હોસ્પિટલ લવાયા બાદ તાત્કાલિક સારવાર, ઓપરેશન વગેરે પ્રેરણા ફાઉન્ડેશનની તજજ્ઞ તબીબી ટિમ દ્વારા હાથ ધરાયા હતા.
ભાલો આખલાના શરીરમાં એટલો ઉંડો ઘુસી ગયો હતો કે અંદર ગંભીર ઇજાઓ થઈ હતી. આખલાની પીડા અસહ્ય હતી. તાત્કાલિક દવા, સારવાર અને ઓપરેશન હાથ ધરાયા હતા.
આખલાના પેટમાં તે સમયે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, દોરડા, લોખંડના ટુકડા, ચલણી સિક્કા, કપડાં વગેરે હોવાનું તબીબોને જણાયુ હતું. તેથી ત્વરિત ઓપરેશન હાથ ધરી આ તમામ વસ્તુઓ અંદાજે ૨૫ કિલો આખલાના પેટમાંથી બહાર કઢાઈ હતી. આ સમગ્ર ઓપરેશનમાં જીવદયા હોસ્પિટલની તબીબી ટિમ ને અંદાજે ૬ કલાક લાગ્યા હતા.
ગૌ માતા અને ગૌવંશ સહિતના અબોલ જીવ પર વધતા અત્યાચાર થી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. જો કે પ્રેરણા ફાઉન્ડેશનની અગિયાળી સ્થિત આધુનિક જીવદયા હોસ્પિટલ તમામ પ્રાણી પક્ષીઓની સેવા સારવાર દવા ઓપરેશન વિનામૂલ્યે કરે છે. આથી અબોલ જીવો માટે અને જીવદયા પ્રેમીઓ માટે મોટી સગવડ ઉભી થઇ છે.
જીવદયાના સેવાકાર્યમાં અગિયાળી, દેવગાણા, ટાણા, પાલિતાણા, સિહોર ના સેવાભાવી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.