પૂર્વ જિલ્લા પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
પ્રદેશ નેતાગીરીની કડક સૂચના બાદ ઓફિસને તાળાબંધીની ચર્ચાઓથી રાજકારણ ગરમાયું
વલ્લભીપુર તારીખ
ગઢડા મતવિસ્તારના ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. થોડા દિવસો પૂર્વે જ ધામધૂમથી શરૂ કરવામાં આવેલા ‘નમો સેવા કેન્દ્ર’ પરથી રાતોરાત બોર્ડ ઉતારી લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં લીમડા ગામે સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ મંચ પરથી ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો કરતા સન્નાટો વ્યાપી ગયો હતો. પક્ષના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના આ વિવાદને પ્રદેશ નેતાગીરીએ ગંભીરતાથી લીધો હોવાનું જણાય છે.
ઉપરથી આદેશ મળ્યાની ચર્ચા રાજકીય ગલીયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ જાહેરમાં થયેલી નિવેદનબાજીને પગલે પ્રદેશ અને જિલ્લા પ્રમુખ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિવાદ વધતા મોવડીમંડળ દ્વારા ઓફિસ બંધ કરી દેવા સુધીની સૂચના અપાઈ છે, જેના પરિણામે સેવાનું કેન્દ્ર ગણાતી ઓફિસ પરથી બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે.
હાલમાં આ ઘટનાને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમ સંદર્ભે મુકેશ લંગાળિયાનો ટેલિફોનીક સંપર્ક કરવા પત્રકારોએ ફોન કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેમનો પક્ષ જાણવા મળ્યો નથી.
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર
















