ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યપ્રાણીઓના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળની સૂચના મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલટ્સ નિર્ધારિત ગતિનું પાલન અને ખાસ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાઇલટ્સની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં કુલ 20 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે 6.7.2025 (રવિવાર) ના રોજ, લોકો પાઇલટ શ્રી ભૂપેન્દ્ર મીણા (મુખ્ય મથક-સુરેન્દ્રનગર ગેટ) અને સહાયક લોકો પાઇલટ શ્રી મહેન્દ્ર નવલ (મુખ્ય મથક-સુરેન્દ્રનગર ગેટ) એ ગાધકડા-સાવરકુંડલા વચ્ચે કિમી નં. 65/08 પર રેલવે ટ્રેક પર ત્રણ સિંહોને ઉભા જોયા હતા અને તાત્કાલિક પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી હતી.
લોકો પાઇલટે ટ્રેન મેનેજર (ગાર્ડ) ને જાણ કરી હતી. ફોરેસ્ટ ટ્રેકર શ્રી હિમાંશુ જોશીએ સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા અને બધી સ્થિતિ સામાન્ય થતાં લોકો પાઇલટને રવાના થવા કહ્યું હતું. ત્યારબાદ, લોકો પાઇલટે કાળજીપૂર્વક ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ ગયા હતા.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓએ લોકો પાઇલટ્સના પ્રશંસનીય કાર્ય બદલ પ્રશંસા કરી.