ભાવનગરમાં બિમાર અશક્ત ઘાયલ અબોલ જીવ માટે તદ્દન વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપશે
ભાવનગર તા.૧૬/૧૨/૨૦૨૪
ભાવનગર જિલ્લામાં અબોલ જીવની તદ્દન નિ:શુલ્ક સારવાર સેવા માટે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ સિહોર તાલુકાના અગિયાળી ગામ ખાતે કાર્યરત છે.
તેમાં જીવદયા સેવાનો વ્યાપ વધારવા હેતુ આજે તા.૧૬મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ એક આધુનિક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
જીવદયા સેવા કાર્યનો વ્યાપ વધારવા શાસન સમ્રાટ સમુદાયના પરમ પૂજય આચાર્ય ભગવંત મેરુપ્રભસુરિ મ.સા.ના શિષ્ય પ. પૂ. આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસુરિ મ. સા. તથા વિશ્વસેનસુરિ મ.સા. આદિમુનિ ભગવંત તથા પ.પૂ. સાધ્વીજી ઉદયયશાસ્વીજી મ.સા. અને પ.પૂ. સા.શ્રી વજ્રયશાસ્વીજી મ.સા.ના આશિર્વાદ લેવામાં આવ્યા. ત્યારબાદ દાતાશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ અને જીવદયાપ્રેમીઓની ઉપસ્થિતિમાં એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી.
આ તકે જીવદયામાં સહયોગ કરનાર જૈન સંઘ અગિયાળીના સમીરભાઈ પારેખ, બળવંતરાય શાહ, પરેશભાઈ શાહ, રાકેશભાઈ શાહ અને કાંતિભાઈ દવે (શેઠ), રેવાશંકર ધાંધલા, મનુભાઈ લાધવા, રામદેવસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે, જીવદયા હોસ્પિટલ અગિયાળી હાલ ભાવનગર, અમરેલી અને બોટાદ એમ કુલ ત્રણ જિલ્લાના અબોલ પશુ પક્ષીઓને સારવાર ઓપરેશન અને પુનઃવર્સન સેવા તદ્દન વિનામૂલ્યે આપી રહી છે.
તેની સેવામાં એનિમલ એમ્બ્યુલન્સનો વધારો થતાં હવે અનેક અશક્ત, બિમાર, ઘાયલ અને વિકલાંગ અબોલ જીવને મોટી રાહત મળશે.
હોસ્પિટલમાં તજજ્ઞ તબીબી ટિમ, રેસ્ક્યુ ટિમ અને પશુ પક્ષીઓની સારસંભાળ માટે વોલિયન્ટર્સ ટિમ છે. જે રાતદિવસ જીવદયાનું સેવા કાર્ય કરી રહી છે.