વલભીપુરની ગોકુળધામ સોસાયટીમાં બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડીનો આક્ષેપ સુવિધાઓ મુદ્દે રજૂઆત કરવા ગયેલા રહીશોને બિલ્ડરે ધમકાવ્યા: “જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, કાંઈ નહીં થાય”
પોલીસ અને મામલતદાર કચેરી વચ્ચે રહીશો અટવાયા; છેવટે બિલ્ડર વિરુદ્ધ પોલીસ મથકે લેખિત અરજી અપાઈ
વલભીપુર:
વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગોકુળધામ સોસાયટીના રહીશો હાલ બિલ્ડરની મનમાની અને સરકારી તંત્રની કથિત ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. સરકારના નીતિ-નિયમો મુજબ ઓર્ગેનાઈઝ્ડ ડેવલોપરે રોડ, રસ્તા, ગટર અને પાણીની સુવિધા પુરી પાડવાની હોય છે, પરંતુ ગોકુળધામ સોસાયટીના બિલ્ડર દ્વારા આવી કોઈ સુવિધા આપવામાં ન આવી હોવાનો ગંભીર આક્ષેપ રહીશોએ કર્યો છે.
બિલ્ડરે મિટિંગમાં રહીશો સાથે ઉદ્ધત વર્તન કર્યું ગઈકાલે સાંજે સોસાયટીના રહીશો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેવલોપરને પણ બોલાવવામાં આવ્યા હતા. વર્ષો વીતી જવા છતાં રોડ-રસ્તા અને પાણીની વ્યવસ્થા ન થતા રહીશોએ સવાલ પૂછ્યા હતા. જેની સામે ડેવલોપરે નમ્રતા દાખવવાને બદલે રહીશો સાથે અશોભનીય વર્તન કર્યું હતું અને “તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, તમારું કાંઈ થશે નહીં” તેવી ધમકી આપી હોવાનું રહીશોએ જણાવ્યું છે.
તંત્રના ધક્કા ખાતા રહીશો: પોલીસ અને મામલતદાર વચ્ચે ફૂટબોલ જેવી સ્થિતિ પીડિત રહીશો સૌપ્રથમ વલભીપુર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં પી.આઈ. મકવાણાએ આ ‘દીવાની’ (Civil) કેસ હોવાનું કહી નગરપાલિકા અને મામલતદાર પાસે જવા સલાહ આપી હતી. નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એન્જિનિયર બંને ઇન્ચાર્જમાં હોવાથી હાજર મળ્યા ન હતા.
રહીશોએ ત્યારબાદ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ મામલતદારે આ બાબત તેમના કાર્યક્ષેત્રમાં આવતી ન હોવાનું કહી ફરી પોલીસ પાસે જવાનું જણાવ્યું હતું.
SP કચેરી અને કંટ્રોલ રૂમમાં પણ કરાઈ જાણ તંત્રની આડોડાઈથી કંટાળી રહીશોએ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને ટેલિફોનિક જાણ કરી હતી. અંતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રહીશો ફરી વલભીપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પણ પી.આઈ. એ ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરી માત્ર અરજી લેવાની તૈયારી બતાવી હતી.
હાલમાં રહીશો દ્વારા બિલ્ડર સુરેશભાઈ મોહનભાઈ અને તેમના ભાઈઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વલભીપુર પોલીસ આ મામલે કાયદેસરના પગલાં ભરી રહીશોને ન્યાય અપાવે છે કે પછી બિલ્ડરના પ્રભાવ હેઠળ મામલો દબાઈ જાય છે.
રિપોર્ટર ધર્મેન્દ્ર સિંહ સોલંકી વલ્લભીપુર
















