સિહોર નગરપાલિકા સ્વચ્છતાના મોટા બણગા ફૂંકે છે ને કાગળ પર સિહોર સ્વચ્છ શહેર હોવાનો દાવો કરાય છે પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન જુદી છે. સિહોરમાં પર્યાવરણના નિયમો નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી ગટરનું દૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે.
સિહોરમાં અગાઉ ૪૭ કરોડ જેટલી રકામની ગ્રાન્ટ ભૂગર્ભ ગટર યોજના માટે ફાળવવામાં આવેલ હતી પરંતુ તે કામ માત્ર કાગળ પર પૂર્ણ કરી મોટી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સિહોર ના લેટરકાંડમાં પણ આ ભ્રષ્ટાચાર નો ઉલ્લેખ કરવામાં આવેલ જે અંગે આજદિન સુધી સત્તાધીશો મૌન ધારણ કરીને બેઠા છે.
આ ગટર વ્યવસ્થાના અભાવે દૂષિત પાણી સિધુ ગૌતમી નદીમાં ઠાલવવામાં આવે છે જે ભારત સરકારના પ્રદુષણ અંગેના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન છે. વળી નગરપાલિકા લાજવાના બદલે ગાજતી હોય એમ જાગૃત નાગરિકો દ્વારા કરાયેલ આર.ટી.આઈ. માં ગટરનું પાણી નદી માં છોડવા અંગે કોઈ રેકોર્ડ પ્રાપ્ય ન હોવાનું જણાવે છે.
ગૌતમી નદીના કાંઠે ધાર્મિક સ્થળો, હોસ્પિટલ, શાળા તેમ જ રહેણાંકી વિસ્તાર આવેલો હોય આસપાસ ના લોકોમાં મચ્છર, દુર્ગંધ તેમ જ રોગચાળા ની સમસ્યા કાયમી ઘર કરી ગયી છે. સરકારની લાખો રૂપિયાની સુજલામ સુફલામ ની ગ્રાન્ટ આ નદીને શુદ્ધ કરવા માટે આવે છે,
પરંતુ તેમાં ભ્રષ્ટાચાર કરી માત્ર કાગળ પર કામ પૂર્ણ કરી દેવાય છે. ત્યારે નગરસેવક જયરાજસિંહ મોરીએ આ ગૌતમી નદી તાત્કાલિક ધોરણે સાફ કરી રહીશો ને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી છુટકારો અપાવવા માંગ કરી છે અન્યથા ગુજરાત રાજ્ય પ્રદુષણ બોર્ડમાં વિધિવત ફરિયાદ દાખલ કરી ઉગ્ર આંદોલન માટેની ચીમકી ઉચ્ચારી છે.