આશા વર્કર બહેનોના : પ્રોત્સાહનથી ડિલિવરી કેસોમાં નોંધપાત્ર વધારો
સ્પેશિયલ બાળરોગ નિષ્ણાત તથા એક્સ-રે સેવાઓથી CHC વધુ સશક્ત બન્યું
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે ગાયનેક સેવા કાર્યરત હોવાથી અગાઉ ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ડિલિવરી કેસ લગભગ શૂન્ય ટકાએ પહોંચી ગયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા એક અનોખી અને પ્રોત્સાહક પહેલ શરૂ કરવામાં આવી છે. CHC સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.હનુભાઈ કામળીયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ. વિશ્વરાજસિંહ પરમાર, ડૉ. પ્રયાગ ગોપાણી, ફાર્માસિસ્ટ હાર્દિક હુંબલ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા ગામડાંમાંથી ગર્ભવતી મહિલાઓને ડિલિવરી માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતી આશા વર્કર બહેનોને પ્રોત્સાહિત કરવાની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી.
આ પહેલના સકારાત્મક પરિણામે હાલ ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર મહિને સરેરાશ 10થી વધુ ડિલિવરી કેસ નોંધાવા લાગ્યા છે. આ સાથે ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેપ્યુટેશન પર આવતા સ્પેશિયલ બાળરોગ નિષ્ણાત ડૉ. અશ્વિન સિસારા દ્વારા બાળકોને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.
વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર કાયમી ફરજ બજાવતા ડૉ. અશ્વિન સિસારાને ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેપ્યુટેશન આપી બુધવાર અને શુક્રવાર એમ સપ્તાહમાં બે દિવસ બાળરોગ સેવાઓ કાર્યરત કરવામાં આવી છે, જે ગ્રામ્ય વિસ્તાર માટે મોટી રાહતરૂપ સાબિત થઈ છે. ઉપરાંત, ગ્રામ્ય સ્તરે ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સ-રે વિભાગની પણ ખૂબ સારી અને અસરકારક સેવા કાર્યરત કરવામાં આવી છે,
જેના કારણે દર્દીઓને જરૂરી તપાસ માટે શહેર તરફ દોડવું પડતું નથી. સમગ્ર જિલ્લાના આરોગ્ય વિભાગે ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્રની આ પ્રશંસનીય પહેલમાંથી પ્રેરણા લેવી જોઈએ, જેથી સરકારની આરોગ્ય સેવાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારમાં માતા-બાળ આરોગ્ય તેમજ નિદાન સેવાઓ વધુ મજબૂત બને. ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર આજે આશા વર્કર બહેનોની મહેનત, તબીબી સ્ટાફની સમર્પિત સેવા અને સંકલિત પ્રયત્નોથી ગ્રામ્ય આરોગ્ય સેવાઓનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















