કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોએ પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજે પાલીતાણા ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગર શહેરનાં યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર સહિત પહેલગાંવ હુમલાના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી તેમજ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ વેળાએ કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.
પાલીતાણાની શ્રીમતી મણીબેન મેઘજીભાઈ શાહ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ધારાસભ્ય સર્વેશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી,શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રીમતી સેજલબેન પંડ્યા,પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા,પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ, નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી.