અમદાવાદ: અમદાવાદમાં સિટી પ્રાંત અધિકારી(પશ્ચિમ)ની નવી કચેરી ‘મહેસુલ ભવન’ ગોતા ખાતે દોઢ વર્ષથી કાર્યરત છે. એડિશનલ કલેક્ટર શ્રી જે.બી. દેસાઈની ટીમના સંકલ્પથી આ કચેરીના સંકુલને ૧૫૦૦ વૃક્ષોનું વાવેતર અને જતન કરીને હરિયાળુ બનાવવામાં આવ્યું છે.
અહીં મહેસુલ મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, કલેક્ટરશ્રી તેમજ કર્મચારીઓના હસ્તે પ્રસંગોપાત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વૃક્ષોના સિંચન માટે પાણીની ખાસ વ્યવસ્થા છે. કચેરીમાં આવતાં-જતાં તેમજ રિસેસના સમયમાં કર્મચારીઓ વૃક્ષોની મુલાકાત લઇ તેની સંભાળ રાખે છે. વૃક્ષોના વાવેતરના વિસ્તાર કર્મચારીઓને દત્તક આપેલા છે. કચેરીના કમ્પાઉન્ડમાં પક્ષીઓ માટે ચણ નાખવા બે ચબુતરા અને પીવાના પાણીની વ્યવસ્થા કર્મચારીઓ દ્વારા જ કરાઇ છે. કચેરીમાં ગત વર્ષે ૭૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાયો હતો. આ વર્ષે બીજા ૭૫૦ વૃક્ષોનું વાવેતર કરાયું છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થયું છે.
શ્રી જે.બી. દેસાઇના જણાવ્યા અનુસાર આ સંકુલ ગોતા વિસ્તારમાં ઓક્સિજન પાર્ક સમો હરિયાળો ટાપુ બની રહેશે. મહેસુલ ભવનના કર્મચારિઓએ ક્લાઈમેટ ચેન્જના સમયમાં પર્યાવરણને ઉપયોગી અને પ્રદુષણ નિવારવા માટે અનુકરણીય કામગીરી કરી છે. એક વર્ષમાં એક હજાર વૃક્ષોના લક્ષ્ય સામે ૧૫૦૦ વૃક્ષો વાવી દેવાયા છે હવે આગામી વર્ષે પણ વધુ વૃક્ષો વાવવાનો કર્મયોગીઓનો લક્ષ્ય છે. તેમ તેમણે ઉમેર્યું હતું
મામલતદાર શ્રી શકરાભાઇના જણાવ્યા મુજબ, વૃક્ષોની માવજતની કામગીરીથી તણાવમુક્ત (સ્ટ્રેસફ્રી) થયાનો અનુભવ થાય છે. કર્મચારીઓને ઉછેર કરવા વૃક્ષો અપાયા છે. કર્મચારીઓ કામગીરીથી કંટાળે ત્યારે થોડીક વાર રોપાને પાણી પીવડાવે છે તેમ જ અહીં દેખરેખ માટે લટાર પણ મારે છે.
મહેસુલ ભવનમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું છે. આ પદ્ધતિ મુજબ ઓછી જગ્યામાં વધુ વૃક્ષોનું વાવેતર કરી માવજત કરી શકાય છે.
અહીં ખાટી-આંબળ, ગરમાળો, સપ્તપર્ણી, ગુંદા, જાંબુ, શેતુર, રેઇન-ટ્રી, મીઠો-લીમડો, સીતાફળ, પથ્થરકુટી, દાડમ સહિતના ૨૦થી વધું પ્રકાર વૃક્ષોનું વાવેતર થયું છે.
જમીન-મહેસુલને લગતી જટીલ કામગીરી ઘણીવાર તણાવયુક્ત બની જતી હોય છે ત્યારે આ ‘કર્મયોગી વન’ કર્મચારિઓને સાત-બાર અને આઠ-અની કામગીરી વચ્ચે શેતુર અને સપ્તપર્ણીનો આનંદ આપી રહ્યું છે.