અમદાવાદ: સમગ્ર દેશમાં બર્ડ ફ્લુની દહેશતના પગલે ગુજરાતમાં સંભવિત રોગચાળાને નાથવા માટે અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.અમદાવાદ જીલ્લામાં રજીસ્ટર્ડ થયેલા પ૪ જેટલાં પોલ્ટ્રી ફાર્મમાં અગમચેતીના ભાગરૂપે સર્વે કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ જીલ્લા પશુપાલન શાખાના નાયબ નિયામકશ્રી સુકેતુભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે જીલ્લામાં બર્ડ ફ્લુ રોકવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે કાંકરિયા અને નળસરોવરમા આવેલ યાયાવર પક્ષીઓના ર૫૦ જેટલાં સેમ્પલ પરીક્ષણ અર્થે ભોપાલ વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા.જેમાથી એકપણ પક્ષીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ નથી.તેથી હાલની પરિસ્થિતિએ કોઈપણ શંકાસ્પદ પક્ષી નોંધાયેલ નથી.
જીલ્લામા ૧૬ ટીમો દ્વારા ૧૬ પશુ ચિકિત્સા અધિકારી અને ૬૦ પશુધન નિરીક્ષકો દ્વારા સતત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જરુરી દવાઓ અને સાધનો સાથે ખડેપગે સેવામા તૈયાર રહ્યા છે. કોઈપણ શંકાસ્પદ પક્ષી દેખાય તો સરકારી ગાઈડલાઈન્સ મુજબ તકેદારીના પગલાં લેવામાં આવશે.
જીલ્લા પશુપાલન તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે ક્યાંય પણ ૧૦ કે તેથી વધુ પક્ષીઓના મૃતદેહ મળી આવે તો તુરંત પશુપાલન વિભાગ અને વનવિભાગને જાણ કરવાની રહેશે.