અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કિડની હોસ્પિટલમાં ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણમાં અત્યાર સુધીમાં ૧૫૫૦ થી વધુ હેલ્થકેર વર્કર અને ૯૦૦ જેટલા ફ્રંટલાઇન કોરોના વોરીયર્સએ કોરોના રસીકરણના ડોઝ મેળવીને ફરજ માટે પોતાની કમર કસી છે.
૧ લી માર્ચ થી રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ વ્યક્તિઓ માટે શરૂ થયેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં કિડની હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૨૩૦૦ જેટલા કોમોર્બિડ વ્યક્તિઓ અને ૧૭૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કોરોના સામે સુરક્ષા આપતી રસી મેળવીને સલામતી અનુભવી છે.
અમદાવાદ શહેરના વિવિધ ધર્મ-સંપ્રદાયોમાંથી સંત-મહંતો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, ખ્યાતનામ તબીબો સહિત મોટી સંખ્યામાં લોકોએ અમદાવાદ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટમાં કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં રસી લઇને શહેરીજનોને વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ પાઠવ્યો છે.
રાજ્ય સરકાર સંચાલિત કિડની ઇન્સ્ટીટ્યુટના રસીકરણમાં કોરોનાની રસી મેળવ્યા બાદ નાગરિકો તેમના પ્રતિભાવમાં સલામતીના સંદેશ આપી રહ્યાં છે. સાથો સાથો હોસ્પિટલ દ્વારા રસીકરણ માટે કરવામાં આવેલી સમગ્રતયા વ્યવસ્થાપનની પ્રશંસા કરી રહ્યાં છે.
સ્વામી વિદિત્માનંદ સરસ્વતી કોરોના રસીકરણના બન્ને ડોઝ મેળવ્યા બાદ કહે છે કે ,કિડની હોસ્પિટલની રસીકરણ માટેની સેવા સાથેની સરભરાને હું બિરદાવું છું. સરકાર દ્વારા કોરોના રસીકરણનું મહાઅભિયાન ચલાવીને નાગરિકોને મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટટલમાં વિનામૂલ્યે રસીકરણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું ઉત્તમ કાર્ય સરકારે કર્યુ છે. કોરોના મહામારી સામે લડતના ભાગ સ્વરૂપે રસીકરણ ખૂબ જ હોવાથી દરેક નાગરિકે કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામે સુરક્ષિત કરવા જોઇએ.
કોરોના રસીકરણ કરાવ્યાં બાદ ડૉ. શ્રધ્ધા કહે છે કે, અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કીડની હોસ્પિટલમાં આજે પહોંચીને મેં કોરોના રસીકરણ કરાવ્યું છે. રસીકરણ કરાવ્યાં બાદ હું સંપૂર્ણપણે સુરક્ષિત મહેસૂસ કરી રહી છું. હોસ્પિટલ દ્વારા રસીકરણ માટે ઉભી કરવામાં આવેલ વ્યવ્સ્થા પ્રશંસાને પાત્ર છે. હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધા અને અહીં સ્વચ્છતા જાળવણી અવિસ્મરણીય છે. રજીસ્ટ્રેશનથી લઇને વેક્સિનેસન સુધીની તમામ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે.
અત્રે નોંધવું જરૂરી છે કે , વિશ્વ વ્યાપી કોરોના મહામારીના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી કોરોના રસીકરણની કામગીરી અમદાવાદ જિલ્લામાં સુપેરે ચાલી રહી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો પર નાગરિકોનો રસીકરણ માટે ધસારો જોવા મળી રહ્યો છે.
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાજ્યવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં નાગરિકોએ કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામેના આરોગ્ય સુરક્ષા કવચથી સજ્જ કર્યા છે.