અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી ટ્રોમા સેન્ટર ખાતે હાઈટેક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકવામાં આવ્યુ.
ઓપરેશન થિયેટરનું ઉદઘાટન સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. એમ.એમ.પ્રભાકર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીના હસ્તે કરવામાં આવ્યુ.
ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. એમ.એમ.પ્રભાકરે જણાવ્યુ કે “સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓને વધુ યોગ્ય સારવાર પૂરી પાડી શકાશે. ઈએનટી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ માટે અત્યાધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે”.સિવિલ ખાતે ખુલ્લુ મુકવામાં આવેલ ઓપરેશન થિયેટર ખુબ જ અત્યાધુનિક છે. ઓટોમેટેડ સેન્સર ઓરિએન્ટેડ ડોર, સેન્સર સેક્શન યુનિટ, કોલ્ડ શેડો લાઈટ એટલે કે ઓપરેશન કરતી વખતે પડછાયો ના પડે તેવી લાઈટ, લેમિનાર એરફ્લો, સેન્ટ્રલ એસી, ફોક્સ લાઈટ, જોઈન્ટલેસ ફિલોરિંગ સહિતની અદ્યત્તન સુવિધાયુક્ત થિયેટર કાર્યરત કરાયું છે”.આ ઉપરાંત દરેક ડૉક્ટર્સ માટે કન્સલ્ટિંગ રૂમ તેમજ સ્ટોરેજ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ ટ્રોમા સેન્ટરના ચોથા માળે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ માટે ઓપરેશન થિયેટર શરૂ કરાયુ હતું. ટૂંક સમયમાં જ સર્જરી વિભાગ માટે પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવશે.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત