અમરેલી: આમ તો લોકો દ્વારા વીજ ચોરીની વાતો ખૂબ સાંભળી હશે પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક જેવા કામ કરે ત્યારે વાત કાઈ અલગ જ લાગે અને આવી જ વાત અમરેલીમાં સાબિત થઈ છે અમરેલીના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ લાઈનમાં સ્થાનિક પોલીસ અને PGVCL ના કર્મચારીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચેકીંગ કરતા 12 પોલીસ કર્મચારીઓના ઘરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું માલુમ થતા હડકંપ મચી જવા પામ્યો. પોલીસ હસ્તકના સરકારી મકાનોમાં જ વીજ જોડાણમાં વીજ મીટર સાથે છેડછાડ કરી કેટલાક ઘરોમાં વીજળીની ચોરી થતી જોવા મળી. જ્યારે કેટલાકના ઘરોમાં ગેરકાયદેસર વીજળી ના બાયપાસ કનેક્શન આપવામાં આવ્યા છે.
કાયદાના જાણકાર અને કાયદાનું પાલન કરાવનારા પોલીસ વિભાગના કર્મચારીઓ ખુદ આ વીજ ચોરી કાંડમાં રંગે હાથ ઝાડપતા અમરેલીના એસ.પી. નિરલિપ્ત રાય દ્વારા કડક હાથે તમામ 12 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા હુકમ કરવામાં આવ્યો કે જે કાયદાના રક્ષક અને જાણકાર હોવા છતાં આવા પોલીસ કર્મચારીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું જે પોલીસ વિભાગ માટે શરમજનક વાત કહેવાય. આ તમામ 12 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સરકારી મકાન ખાલી કરી લાઇન આઉટ કરવાનો હુકમ જારી કરી દેવામાં આવ્યો.