રિપોર્ટ-અમરનાથ જગતાપ
ડાંગ
આહવા: તા: ૬: ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલમા આજે સવારે ૧૧:૪૦ ના સુમારે અચાનક આગ ફાટી નીકળતા સિવિલ કેમ્પસમા અફરાતફરી મચી ગઇ હતી.
બનાવની જાણ થતા જ જિલ્લાના ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ફોનની ઘંટડીઓ રણકી ઉઠવા પામી હતી. જિલ્લા વહીવટી તંત્રે ઘટનાની ખબર મળતા જ ત્વરિત એક્શન મોડમા આવી જઈને ગણતરીની મિનિટોમા જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામા જાનમાલને કોઈ નુકશાન થયુ નથી.
ઘટનાની જાણકારી આપતા ડિઝાસ્ટર મામલતદાર શ્રી જયેશ પટેલે જણાવ્યુ હતુ કે, તાજેતરમા રાજ્યના કેટલાક વિસ્તારોમા આવા બનાવો બનવા પામ્યા છે. જેને ધ્યાને લઇને ડાંગ જિલ્લામા પણ જો કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તંત્ર કેટલુ સજ્જ છે, તેની આ કવાયત માત્ર હતી.
જેમા સિવિલ સત્તાવાળાઓ સહિત જિલ્લાનુ આરોગ્ય વિભાગ, પોલીસ અને ફાયર ઓથોરિટીના ચુનંદા જવાનો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી ઘટનાના લાઈવ સીનેરીઓ દરમિયાન તેમની ભૂમિકા બખૂબી નિભાવી હતી.
નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, અને પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીતની ઉપસ્થિતિમા યોજાયેલા આ “મોકડ્રિલ” વેળા ઇન્ચાર્જ સિવિલ સર્જનશ્રી ડો. રશ્મિકાંત કોકણી સહિત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. ડી.કે.શર્મા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વસાવા તથા તેમની ટીમ, ૧૦૮ અને ફાયર સેફટી સાથે સંકળાયેલા કર્મયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, આ “મોકડ્રિલ” દરમિયાન આસપાસના જનજીવનમા તેના કોઈ વિપરીત પ્રત્યાઘાતો ન પડે, તેની તકેદારી રાખી હતી.
આકસ્મિક ઘટનાઓ વેળા લેવાની તકેદારીઓ ના નિયત માપદંડો અનુસાર હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સંબંધિત તંત્રો વચ્ચે સુમેળભર્યો તાલમેલ જોવા મળ્યો હતો.