અમદાવાદ: લોકડાઉનની પૂર્ણતા બાદ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દર મંગળવારે વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે અમદાવાદ કલેક્ટર શ્રી કે. કે. નિરાલાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લામાં પ્રગતિશીલ તેમજ બાકી વિકાસ કાર્યો અને યોજનાકીય બાબતોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજનાકીય કાર્યો, વિકાસના કાર્યો અને આગામી આયોજન વિશે વિગતવાર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.
જિલ્લામાં કાર્યરત વિવિધ કાર્યો, હાલની સ્થિતિ, તેમજ બાકી રહેલા કાર્યો વિશે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને ઝડપભેર કાર્ય પૂર્ણ થાય તે માટેની સૂચનાઓ કલેકટરશ્રી દ્વારા ઉપસ્થિત અધિકારીઓને આપવામાં આવી હતી.
સુકન્યા સમૃધ્ધિ યોજના, વિધવા સહાય યોજના, પોસ્ટલ યોજના, આયુષ્યમાન ભારત જેવી વિવિધ યોજના સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી તેનો મહત્તમ લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ ગ્રામ્યના કોરોની સ્થિતિ વિશે જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્રતયા કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો અને આ માટે સરકારી દિશાનિર્દેશોનું શ્રેષ્ઠ અમલીકરણ થાય તે માટે વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાય, જાહેર રસ્તાઓ, માળખાગત સુવિધાઓની વ્યવસ્થા સુદ્રઢ રીતે ગોઠવાય તેવી કાર્યરીતીની ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં નિર્માણાધીન મેટ્રો ટ્રેન વિષેની કામગીરીની વિગતવાર માહિતી મેળવીને ઝડપભેર પ્રોજેક્ટ પૂર્ણ કરી અમદાવાદમાં મેટ્રો કાર્યરત થાય તે માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.