ભાવનગર: અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ડેપ્યુટી મેયર પદે કુણાલ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે ધીરુભાઈ ધામેલીયાના નામની પસંદગી કરવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટે મંગળવારે પ્રદેશ પાર્લામેન્ટરીમાં સંકલન યોજાઇ હતી. પાર્લામેન્ટરીમાં જ્ઞાતિના સમીકરણ પ્રમાણે પેનલમાં નામ મુકાઈ ગયા બાદ પણ શહેર સંગઠન, બંને ધારાસભ્યો અને સાંસદ વચ્ચેની મારા અને સારાની ખેંચતાણ ચાલી રહી હતી.
આ વખતે ભાવનગરમાં ભાજપનો મહાપાલિકામાં ઐતહાસિક 44 બેઠકો સાથે ભવ્ય વિજય થવા પામ્યો છે. વિપક્ષોને માત્ર આઠ બેઠકો મળી છે. બુધવારે મળનારી સાધારણ સભામાં મેયર સહિતના નામો નક્કી થવાના છે, તે પૂર્વે મેયર પદ માટેના નામની ભારે ખેંચતાણ ચાલી હતી. મેયર પદ માટે વર્ષાબા પરમાર, કિર્તીબેન દાણીધારીયા, યોગીતાબેન પંડ્યા, ભાવનાબેન બારૈયા તથા મીનાબેન પારેખ સહીત પાંચ નામોની ભારે ચર્ચાઓ થઇ હતી. તેમા પણ વર્ષાબા અને કિર્તીબેનનું નામ મોખરે ચાલી રહ્યું હતું. આખરે કીર્તિબેન દાણીધારીયાની પસંદગી કરવામાં આવી છે.