અમદાવાદ: સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ.-કેન્સર હોસ્પિટલની આગવી સિધ્ધી મેળવી છે.
આ સિધ્ધીનો શ્રેય હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓને – ડૉ. શંશાક પંડ્યા, ડાયરેક્ટર (જી.સી.આર.આઇ.)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય –આયુષ્યમાન યોજનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય મંથન 3.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજના અંતર્ગત થયેલ કામગીરીન આધારે મુલ્યાંકન કરીને યોજનાના અમલીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર હોસ્પિટલને રેન્કિંગ આપવામાં આવ્યું હતુ.
જેમાં અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી જી.સી.આર.આઇ. – ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો. આ જાહેરાત કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરવામાં આવી છે.
જી.સી.આર.આઇ. હોસ્પિટલને દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવારની ઉપલબ્ધતા, ઝડપી રીસપોન્સ ટાઇમ, હોસ્પિટલમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ સેવાઓ, એડવાન્સ ઉપકરણો વગેરે જેવા માપદંડોના આધારે આ ક્રમાંક આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020-21 દરમિયાન કુલ 16,246 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય –આયુષ્યમાન હેઠળ 38.43 કરોડના ખર્ચે સારવારનો લાભ મેળવ્યો હતો. જેમાંથી જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં 8,766 દર્દીઓને 11.07 કરોડના ખર્ચે આ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ સંદર્ભે જી.સી.આર.આઇ. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ પ્રતિભાવમાં આપતા જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્તરે જી.સી.આર.આઇ. હોસ્પિટલને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત મળેલ દ્વિતીય ક્રમાંક નો શ્રેય અમારી હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ અને કર્મચારીને ફાળે જાય છે. અમારી હોસ્પિટલમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ સારવાર માટે દર્દીઓનો ધસારો જોવા મળે છે. જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કુલ દર્દીઓમાંથી 25 થી 30 ટકા દર્દી અન્ય રાજ્યોમાંથી આવે છે.
તાજેતરમાં જ હોસ્પિટલમાં અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ રેડિયોથેરાપી માટેના વિવિધ મશીનો પણ વિકસાવવામાં આવ્યા છે. તદઉપરાંત હોસ્પિટલમાં અન્ય અત્યાધુનિક સુવિધાઓ અને મશીનરી સાથેની સારવારે દર્દીઓની આરોગ્યલક્ષી જનસુખાકારીમાં વધારો કર્યો છે તેમ પણ ડાયરેક્ટરશ્રીએ ઉમેર્યુ હતુ.