Breaking NewsLatest

ગાંધીનગર ખાતે સીએમના સીધા માર્ગદર્શનમાં કાર્યરત સીએમ-ડેશબોર્ડની મુલાકાત લેતા કેરાલાના ચીફ સેક્રેટરી.

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સીએમ-ડેશબોર્ડની સમગ્ર કાર્યપ્રણાલિના અભ્યાસ અને તલસ્પર્શી નિરીક્ષણથી જાતમાહિતી માટે કેરાલા સરકારના મુખ્ય સચિવ શ્રી વી.પી.જોય એ આ ડેશબોર્ડની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ અઢી-ત્રણ કલાક સુધી રોકાણ કરીને સી.એમ-ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા હતા. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને સચિવશ્રીએ તેમને સી.એમ-ડેશબોર્ડની વિશેષતાઓ અને સર્વગ્રાહી કાર્યપદ્ધતિ સમજાવી હતી. મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

કેરાલાના મુખ્ય સચિવશ્રીએ ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીનો સંપૂર્ણ રિયલ ટાઇમ મોનિટરીંગ ક્ષેત્રે ઉપયોગ કરીને વિકસાવેલી દેશભરમાં પહેલરૂપ આ કાર્યપદ્ધતિની પ્રસંશા કરી હતી.
તેમણે કહ્યું કે લોકોને મળતી વિવિધ સરકારી સેવાઓના મોનિટરીંગની આ પદ્ધતિ અને લાભાર્થીઓના ફિડબેક મેળવવાનું સમગ્ર કાર્યતંત્ર સુશાસનની આગવી દિશા છે.

વી.પી. જોયે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પબ્લીક ડીલીવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તેમજ રિયલ ટાઇમ મોનિટરીંગ માટે ગુજરાતે અપનાવેલી આ પહેલનો અભ્યાસ કરવા આપેલા સૂઝાવને પગલે તેઓ કેરાલાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સી.એમ-ડેશબોર્ડથી માહિતગાર થવા આવેલા છે.

સી.એમ-ડેશબોર્ડની આ અભિનવ પહેલની વિસ્તૃત વિગતો કેરાલા પ્રતિનિધિમંડળને આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ર૬ સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાના લાભ, એસ.ટી, લાઇટ, પાણી જેવી પાયાની સુવિધા સરળતાએ મળે છે તેની બધી જ જાણકારી ગાંધીનગરથી સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તથા તેની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર ૩,૪૦૦ પૂર્વનિર્ધારિત ઇન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી જ મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.

એટલું જ નહિ, કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સપ્લાય, દવાઓની ઉપલબ્ધિ વગેરે અંગે પણ આ ડેશબોર્ડની વિડીયો વોલ દ્વારા સંપૂર્ણ વિગતો મેળવી શકાઇ હતી.

કેરાલાના મુખ્ય સચિવશ્રીએ બધી જ બાબતો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો અને લાભાર્થી ફિડબેક સિસ્ટમની જે પદ્ધતિ કાર્યરત છે તેની પણ સરાહના કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 644

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *