ગુજરાતના લાખો રક્તદાતાઓ માટે આનંદનો અવસર..રાજ્યમાં ફેફસાનું પ્રત્યાર્પણ શક્ય બને તે માટે આરોગ્ય વિભાગ માળખું વિકસાવી રહ્યું છે
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે કે, રક્તદાન કરવા અંગે ઉત્સાહ અને જાગૃતિ ગુજરાતીઓમાં વધારે છે. ૫૦ બોટલ રક્તની જરૂરિયાત સામે ૫૦૦ બોટલ રક્ત એકત્રિત કરી આપનારા ગુજરાતમાં કોઈ દર્દી રક્તના અભાવે જીવન ન ગુમાવે તે આપણું લક્ષ્ય છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાત શાખાના સન્માન સમારોહ પ્રસંગે શ્રી નિતીનભાઇએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય રક્તદાનમાં દેશભરમાં પ્રથમ છે. ઉપરાંત અંગદાન અને અંગ-પ્રત્યારોપણમાં પણ ગુજરાત મોખરે છે. કિડની ઈન્સ્ટીટયૂટમાં ભારતના સર્વાધિક કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થાય છે. હાલમાં જ અમદાવાદમાં બાળહ્રદયરોગની હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે થયું. જેથી રાજ્યમાં હવે નાના બાળકથી લઈને વયોવૃદ્ધ માટે હૃદય પ્રત્યારોપણની સુવિધા અને તેનું આંતરમાળખું સુદ્રઢ બનશે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાકાળમાં ફેફસાના સંક્રમણ અને અન્ય જટિલતાઓ સામે આવતા ઘણા કિસ્સામાં ફેફસાના પ્રત્યાર્પણની પણ આવશ્યકતા ઉભી થઈ હતી. આવનારા દિવસોમાં ગુજરાતમાં ફેફસાના પ્રત્યાર્પણ શક્ય બને તે માટે આરોગ્ય વિભાગ માળખું વિકસાવી રહ્યું છે.
શ્રી નિતીનભાઇ પટેલે કહ્યું કે, સિકલસેલ એનેમીયા અને થેલેસેમિયાના દર્દીઓની ઓળખ તથા સારવારના ક્ષેત્રે રેડક્રોસ સોસાયટીની કામગીરી સર્વોત્તમ છે. હોસ્પિટલની વધે, તબીબી સુવિધાઓ વધે ત્યારે રક્તની જરૂરિયાત પણ વધે છે. આવા સમયે રેડક્રોસ સોસાયટીનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ અને અમદાવાદ જિલ્લા શાખા રક્ત એકત્રીકરણ બાબતે દેશમાં પ્રથમ ક્રમાંકે આવી છે. ગુજરાત શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યને વર્ષ ૨૦૧૬-૧૭ માટે સુવર્ણચંદ્રક એનાયત થયો છે.
શ્રી નિતીનભાઇએ પારિતોષિક વિજેતાઓને સન્માનતા કહ્યું કે, સમગ્ર ગુજરાતના લાખો રક્તદાતાઓ માટે આજે આનંદનો અવસર છે. માનવજીવન બચાવવા માટે અમૂલ્ય સેવાનું કામ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાતના લોકોએ કર્યું છે તેને બિરદાવવાનો આજે આ પ્રસંગ છે. રાજ્યની વિવિધ રેડક્રોસ શાખાઓને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે તે આપણા માટે ગૌરવની વાત છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે મારો આનંદ બેવડાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું
શ્રી નિતીનભાઇએ કહ્યું કે, લોકોના મનમાં રેડક્રોસ માટે બ્લડ કલેક્શન અને બ્લડ ડિસ્ટ્રીબ્યુશનનું કરતી સંસ્થા એવી સીમિત છબી છે. રેડક્રોસ બ્લડ બેન્ક માત્ર નથી. રેડક્રોસ સમાજ સેવાનાની અન્ય કામગીરી કરી પણ રહ્યું છે. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના પ્રબંધકો, કાર્યકરોએ અને દાતાશ્રીઓએ સમાજસેવાના પવિત્રભાવથી આગળ આવી પરિવાર, વ્યવસાયને ક્યારેક કોરાણે મૂકી સેવાકાર્યને પ્રાધાન્ય આપ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સેવાભાવી સંસ્થા માટે દાતા અને કાર્યકર એમ બંને આવશ્યક છે. રેડક્રોસ પાસે શ્રેષ્ઠતમ દાતા અને કાર્યકરો એમ બંન્ને છે. આ પ્રસંગે તેઓએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ખજાનચી શ્રી મુકેશભાઈને ૧૫૦ વખત રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા રુધિર સંલગ્ન રોગો વિશે સંશોધન થાય તથા થેલેસેમિયા- સિકલસેલ એનિમિયાના નિદાન અને સારવાર માટેની કામગીરી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેની ભારતમાં સ્થાપનાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે રેડક્રોસ ગુજરાત શાખાને મળેલી ઉપલબ્ધીઓ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રૂપાણી દ્વારા પાઠવાયેલા શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રેડક્રોસ ભવન અમદાવાદ પરિસરમાં આવેલા ‘વાત્સલ્ય ધામ’ વૃદ્ધાશ્રમ, ફિઝિયોથેરાપી વિભાગ, પેથોલોજી-હિમેટોલોજી વિભાગ અને રેડિયોલોજી વિભાગની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. ભાવેશ આચાર્ય, જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર વાઇસ ચેરમેનશ્રી સુમિતભાઈ, ખજાનચી ડો. મુકેશ જગીવાલા તથા રેડક્રોસના મેમ્બર સેક્રેટરી અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા