અમદાવાદ: ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ સુરતના માથેભારે સજ્જુ ગેંગના મુખ્ય સૂત્રધારને ગુજરાત ATSએ મુંબઇથી ધરપકડ કરી છે. ગંભીર ગુનાઓને આચરતી આ કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર અને ગુજસીટોકના ગુનામાં નાસતો ફરતો સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કઠારી આખરે ઝડપાયો છે. ચોક્કસ બાતમીને આધારે ATSના એસપી ઈમ્તિયાઝ શૈખ અને ટીમ દ્વારા સફળ ઓપરેશન પાર પાડી મુંબઇ ખાતેથી એક હોટલમાંથી દબોચી લીધો છે. આરોપી સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સજ્જુ અને તેની ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે.
કૃખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સભ્યો સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે. સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવે છે. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા ગુના નોંધાયેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે સજ્જુ કોઠારીએ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો. સજ્જુ ગેંગના આંતકના કારણે આવા ભોગ બનનાર ધંધાદારી, વેપારી વર્ગ કે સામાન્ય માણસ તેઓની સામે પોલીસ કાર્યવાહી કે ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી આવી ગુનાહિત પ્રવૃતિને નિયંત્રિત કરવા અઠવાલાઇન્સ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનો નોંધતા સજ્જુ અંડર ગ્રાઉન્ડ થઇ ગયો હતો.
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. 10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો. સજ્જુ હાલ પોલીસની પકડમાં આવ્યો છે ત્યારે તેની ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં છે.
સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી ગેંગ બનાવી શહેરમાં વિવિધ વિસ્તારમાં લૂંટ, ખંડણી, સરકારી કર્મચારી ઉપર હુમલો, મારામારી, રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી, આર્મસ એકટ તથા જાહેર સુલેહ શાંતિ વિરુધ્ધના અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે.