જામનગર: મનપા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનો દૌર જામી રહ્યો છે સમય નજીક આવી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડતું જોવા મળ્યું છે.
જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઈ આહીર સહિત જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમત ખવા, જામનગર તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ શિયાળ, જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડીયા, જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ ધના મકવાણા, વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઈ ચાંગણી, જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્ય, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગિરથભાઈ ગોહિલ, જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ ડાંગર સહિતના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્રકારો સાથે પ્રેસવાર્તા કરી તેઓ દ્વારા કોંગ્રેસમાં ઉપર બેઠેલા લોકો પર આકરા પ્રહારો કર્યા હતા. એકસાથે આગેવાનોના રાજીનામાની વણઝાર થતા એકાએક જામનગર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના સમયે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ધમધમવા જોઈએ તેની જગ્યા એ તમામ લોકો પોતાના રાજીનામાં અને સામગ્રી પરત કરવા પહોંચતા ત્યાં તાળાં લાગેલા જોતા પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તમામ સામગ્રી રાજીનામાં ત્યાં દરવાજે જ મૂકી દીધા હતા અને કોંગ્રેસને આખરી સલામ આપી હતી. એકાએક જામનગર કોંગ્રેસ આગેવાનોના રાજીનામાં પડતાની સાથે સામેના પક્ષો વધુ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર એક સાથે રાજીનામાં અને સામગ્રી મૂકી તેઓ દારા આવનાર દિવસોમાં પ્રજા પોતાના મતનો સાચો ઉપયોગ કરી કાર્ય કરનાર પક્ષને જ સત્તામાં બેસાડશે તેવું કાર્યકરોમાં ચર્ચાતું જોવા મળ્યું હતું.