જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણી ના પરિણામોમાં 50 સીટો પર બીજેપીનું કમળ ખીલતા કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરાયું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા હાજર.
રાજ્યમાં મનપા ચૂંટણી યોજાઈ ગઈ અને પરિણામોમાં ઠેર ઠેર કમળ ખીલ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે મનપા ચૂંટણીમાં 64 સીટો માંથી 50 ઉપર બીજપીએ કબજો મેળવી વિજય પતાકા લહેરાવી છે. ત્યારે રાત્રે જામનગર શહેર ખાતે બીજેપી દ્વારા કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ પુનમ બેન માડમ, કેબિનેટ મંત્રી આર સી ફળદુ, રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તેમજ શહેર પ્રમુખ ડો વિમલભાઈ કગથરા, અગ્રણી હસમુખ ભાઈ હિંડોચા, મીડિયાના ભાર્ગવભાઈ ઠાકર, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, તેમજ ચૂંટાઈ આવેલ કોર્પોરેટરો, તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હતા જેમનું આગમન થતા જ લોકોએ તેમને જયઘોષ સાથે વધાવી લીધા હતા અને જામનગર બીજેપી દ્વારા તેમને લાખોટા તળાવનું સુંદર સ્મૃતિ ફોટો ભેટ આપવામાં આવી હતી અને ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો વિવિધ વોર્ડના ભાજપ મંત્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમને પાઘડી તેમજ તલવારની ભેટ આપી તેમજ વિવિધ સ્મૃતિ ચિહ્નો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમ બેન માડમ, મંત્રી આર સી ફળદુ તેમજ હકુભા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી સી આર પાટીલ તેમજ જામનગરની જનતા અને તમામ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું. જયશ્રી રામ અને ભારત માતાકી જય ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મનપા ચૂંટણી માં મતદાન કરવા બદલ અને ભાજપની જીત બદલ તમામ કાર્યકર્તાઓ અને જામનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.. તેમણે ચૂંટાઈ આવેલ ઉમ્મદવારો ને ખાસ જણાવ્યું હતું કે પ્રજાએ તમને જીત અપાવી છે ઉન્માદ માં ન રહેતા અને જે પ્રજા એ તમને ખુરશી આપી છે એમને આપેલા વચનો અને કામો પુરા કરજો. શહેરમાં કોઈ એક જગ્યા એ પ્રતિમા પાસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જ્યાં વિજયી બનેલા તમામ ઉમેદવારો એકસાથે ઉભા રહી આગામી 5 વર્ષ સુધી પ્રજા માટે કામ પુરા કરવા માટે સદૈવ તત્પર રહે તેવો એક સંકલ્પ કરે તેવી ઈચ્છા જાહેર કરી હતી. આ ઉપરાંત તેઓ એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં ભાજપ 50 નહીં પણ 100 ટકા સીટ સાથે વિજયી બનશે તેવી ખેવના સેવી હતી.
આ કાર્યક્રમ પૂર્વે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સ્થાનિક સ્વરાજ્ય તેમજ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર અંતગર્ત જામનગરના લાલપુર ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર જિલ્લા યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલ બાઇક રેલીમાં ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો બાઇક રેલી માં જોડાયા હતા. અને સી આર પાટીલ દ્વારા સભા ને સંબોધવામાં આવી હતી જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.