જામનગર તા. ૨૭ મે, કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડી અનેક મહામુલી જીંદગી બચાવવાની પ્રશંસનીય કામગીરી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ દ્વારા બજાવવામાં આવી છે. જે કામગીરીને ૧૦૮ના ગુજરાત રાજ્યના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવી હતી અને કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ હતી.
શહેરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લાના કુલ ૧૮ કર્મીઓને સન્માનિત કરાયા હતા. જેમાંથી જામનગર જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના ૯ કર્મીઓને પણ એવોર્ડ તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મીઓમાં પાઇલોટશ્રી સુખદેવસિંહ વાળા તથા ઇ.એમ.ટી. શ્રી અશ્વિન ડોડિયાને પ્રમાણિકતા સન્માન, ઇ.એમ.ટી. અલ્પા ઝાલા તથા પાઇલોટશ્રી રામભાઇ કારાવદરાને ઇ.એમ.કેર એવોર્ડ, ઇ.એમ.ટી. ગતિક્ષા ડોડિયા તથા ભાવેશ ભરડાને પ્રેરણાદાયી એવોર્ડ તેમજ કમલેશ ચાવડા, રાજદિપસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજાને ફોટોગ્રાફી કોમ્પીટીશન અન્વયે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ૧૮૧ અભયમના ગુજરાતના વડા શ્રી નરેન્દ્ર ગોહિલ, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડો. તિવારી, સી.ડી.એચ.ઓ. શ્રી ડો. બિરેન મણવર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રોફેસરશ્રી ડો. ઘાચી, જી.જી.હોસ્પિટલના આર.એમ.ઓ.શ્રી ડો. પી.આર.ભૂવા ઉપસ્થિત રહ્યાં હતા.