જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રોલ શહેર ખાતેના જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટર અને ધ્રોલ સી.એચ.સી.ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ જિલ્લા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓક્સિજન, દવાઓ, બેડની ક્ષમતા અને ડોક્ટરો નર્સ વગેરે સારવારલક્ષી પરિમાણો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સમીક્ષા બેઠકના અંતે મંત્રીશ્રીએ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લઈ દાખલ દર્દીઓને ખૂબ જલ્દી નીરોગી થઈ સ્વસ્થ થવા માટેની શુભેચ્છાઓ આપી હતી.
મુલાકાત બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ સી.એચ. સી. ધ્રોલ ખાતે ૨૩ બેડની ક્ષમતાનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે, જેમાં ૧૮ દર્દીઓ દાખલ છે તેને ૩૧ ઓક્સિજન સાથે સજ્જ બેડ સુધીની ક્ષમતામાં પરિવર્તિત કરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે. આ માટે ઓક્સિજન ફલોમીટર, ઓક્સિજનના બાટલા વગેરેની વ્યવસ્થાઓ જિલ્લા પંચાયત દ્વારા કરવા સૂચન કર્યું હતું. સાથે જ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત શ્રી ઉમા કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી વધારી વધુ દર્દીઓને સુવિધા આપવા માટે સુચના આપી હતી.
આ બેઠક અને મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપસિંહ, તાલુકા પંચાયત સદસ્યશ્રી જયંતીલાલ કગથરા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, યુવા ભાજપ નેતા શ્રી હિતેશ ભોજાણી, તુષારભાઈ ભાલોડીયા તથા કોવિડ કેર સેન્ટરના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જાકાસણી, અનિલભાઈ ભૂત, ડોક્ટર વિશાલભાઈ ઘાટલોડિયા, વિજયભાઈ કાસુન્દ્રા, ગોવિંદભાઈ દલસાણીયા, પ્રાંત અધિકારીશ્રી ધ્રોલ હેતલબેન જોશી, તાલુકા વિકાસ અધિકારીશ્રી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.