ભાવનગર
ગારિયાધારના વેળાવદર ગામે શનિવારે યોજાયેલાં શિક્ષણવિદ્ તથા અનેકવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનારાં આચાર્ય તખુભાઈ સાંડસુરના વિદાય સમારંભમાં સુરતના વતનપ્રેમી ઉદ્યોગપતિઓ ચાટૅર ફ્લાઈટથી અમરેલી આવી વેળાવદરમાં સમારોહની શોભા બન્યાં હતાં.તેઓએ એક શિક્ષકની ગરીમા કેટલી ઊંચી હોય તેનો સમગ્ર સૌરાષ્ટ્રને પરિચય કરાવ્યો હતો.
વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના વતની અને ત્યાં જ માધ્યમિક શાળાના આચાર્ય તરીકે 29 વર્ષ સેવા આપનારાં શ્રી તખુભાઈ સાંડસુરનો વિદાય સમારંભ તેમની ષષ્ઠીપૂર્તિના નામકરણ સાથે ગત શનિવારના રોજ વેળાવદરની કાણકિયા પારેખ હાઇસ્કુલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યો શ્રી પ્રતાપભાઇ દુધાત અને કેશુભાઇ નાકરાણીએ જણાવ્યું કે શ્રી તખુભાઈ સાંડસુર વૈવિધ્યસભર પ્રતિભા ધરાવે છે.તેઓએ વર્ષો સુધી આપેલી શૈક્ષણિક સેવા માટે આવો દૈદિપ્યમાન સમારોહ યોજાયો તે તેની કાર્યશૈલીનો પડઘો છે. આ ગામને તેથી અભિનંદન આપીએ છીએ.તેઓ ભવિષ્યમાં સમાજના કલ્યાણ માટે કાર્યરત રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ.
સુરત સ્થિત ઉદ્યોગપતિઓએ સર્વશ્રી કાળુભાઈ ગોળવિયા, શ્રી અશોકભાઈ ભંડેરી શ્રી ઘનશ્યામભાઈ ભંડેરી અને શ્રી પ્રવિણભાઇ લખાણી સ્પે.ચાટૅર પ્લેનમાં પોતાનાં વતન વેળાવદરમાં આ વિદાય સમારંભમાં હાજર રહેવાં અમરેલી ઉતરી જમીનમાર્ગે કાયૅક્મમા પહોંચી સમાપન પછી વિદાય થયાં હતાં.શ્રી મગનભાઈ ભંડેરી, શ્રી રમેશભાઈ ગોળવિયા,શ્રી ગોકુળભાઈ ગોળવિયા,શ્રી રમેશભાઈ દિયોરા સહિતના અનેક ઉદ્યોગપતિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.શાળા સંવાહકો શ્રી રમણિક ભાઈ ભંડેરી,શ્રી હિંમતભાઈ ઢોલરિયા, શ્રી અનિલભાઈ કાણકિયા પણ વિશેષ હાજર હતાં.
કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી કે આગામી દિવસોમાં શાળાની જરૂરિયાત માટે અમો તત્પર છીએ.શાળાની ભૌતિક જરુરિયાત માટે સાત લાખ જેટલું ફંડ ઉભું થયું હતું.એટલું જ નહીં તાળીઓથી સભાગૃહ ગુંજી ઉઠ્યું કે જ્યારે જાહેરાત થઈ કે આવતાં વર્ષે ૨૧ દિકરીઓના સમુહલગ્ન માનવતાના આધારે ઉધોગપતિઓ શ્રી ઘનશ્યામભાઈ ભંડેરી તથા શ્રી અશોકભાઈ એમ.ભંડેરી કરાવી આપશે. આ જાહેરાતોને સૌએ તાળીઓથી વધાવી લીધી અને તેમના ગામ પ્રત્યેના વતનપ્રેમને સર્વેએ શત શત વંદન કર્યા.
કાર્યક્રમમાં આશીર્વચન આપવાં માટે ઉપસ્થિત સાવરકુંડલા માનવ મંદિરના પુ.શ્રી ભક્તિરામબાપુએ સંસ્કારો પર ભાર મૂકીને તખુભાઇની શૈક્ષણિક સેવા માટે તેમને બિરદાવી કહ્યું કે માણસ જે કાર્ય કરે છે તેનું પરિણામ આપણાં સંતાનોની તેજસ્વીતામાં દેખાય છે.
જુઓ તખુભાઈનુ પરિવાર સામે જ ઉદાહરણ. તખુભાઈ સાંડસુરે પોતાના જીવનમાં ક્ષમા માગવી અને ક્ષમા આપવી તથા અપેક્ષા ઓછી અને કોઈની ઉપેક્ષા નહીં એ વાતને જીવનમંત્ર બનાવીને આગળ વધ્યાં હોવાનું જણાવ્યું તેમણે કહ્યું કે મને ગૌરવ છે કે મારાં પાસે શિક્ષિત, દીક્ષિત થયેલાં વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં ખૂબ મહત્વનું પદાર્પણ કરી રહ્યાં છે.ગામની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ શ્રી તખુભાઈ સાંડસુરનું બહુમાન કર્યું. સ્મરણિકા ગ્રંથ પમરાટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.સમારોહની પૂર્વ સંધ્યાએ લોકડાયરાનું પણ આયોજન થયું હતું. જેમાં અનિલ વંકાણી વર્ષા બગથરિયા,ધરમ વંકાણી અને જીગ્નેશ કુંચાલાએ લોકસાહિત્યની રસલ્હાણ પીરસી હતી.આ ડાયરામાં શ્રી સુધીરભાઈ વાધાણી,શ્રી સાગરભાઈ ડાભિયા ઉપસ્થિત હતાં.
આભાર વિધિ શ્રી કિરણભાઈ પાંધીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ ઉપાધ્યાયે સંભાળ્યું હતું.અશોકભાઈ જોગાણી વાલજીભાઈ હુલાણી, જીતુભાઈ આહીર અને કૈલાસબેન બગડા અને ભીખુભાઈ,નાજભાઈ, જગુભાઈ સહિત અનેક લોકો આ કાર્યક્રમની સફળતાના સેનાનીઓ તરીકે સેવા આપી હતી.