માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ અતિથિગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો કરશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
આવતીકાલ તા. ૨૩ ઓકટોબર-૨૦૨૦, શુક્રવારના રોજ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે અધતન સુવિધાસજ્જ નવીન સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો દિન-પ્રતિદિન ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને યાત્રાળુઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ નવીન અતિથિગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો કરશે.
અંબાજી મુકામે કુલ- ૨૭ રૂમની સુવિધાવાળા આ અતિથિ ગૃહમાં ૩- વી.વી.આઇ.પી.રૂમ, ૬- વી.આઇ.પી. રૂમ, ૮ – ડબલ બેડના ડીલક્ષ રૂમ, ૬- સીંગલ બેડના ડીલક્ષ રૂમ, ૩- પાંચ બેડના ડોરમેટ્રી રૂમ અને ૧- દસ બેડના ડોર મેટ્રી રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રીસેપ્શહન, પ્રતિક્ષા કક્ષ, કોન્ફરન્સ રૂમ, ઓફિસ રૂમ, વી.આઇ.પી. ડાયનીંગ રૂમ, જનરલ ડાયનીંગ રૂમ, ટોયલેટ, સ્ટોર રૂમ, રસોડું, ફુલ ફર્નિચર, એ. સી. અને લીફ્ટ સહિતની સુવિધા સાથે કુલ- ૩૭૬૬.૭૫ ચો. મી. વિસ્તારમાં બાંધકામ કરી આધુનિક સુવિધાઓથી સજ્જ અતિથિગૃહ બનાવાયું છે તેમ બનાસકાંઠા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.એમ.પંડ્યાએ જણાવ્યું છે.