વડાપ્રધાનશ્રીના મોટાભાઇ સોમાલાલ મોદીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ, મકાન અને પ્રવાસન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની રાજ્યકક્ષાની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઇ સોમાલાલ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં સમાજની એકતા અને વિકાસ પર ભાર મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતુ કે, દેશમાં વિવિધ જ્ઞાતિનાં નામે ૧૩ કરોડ જેટલાં મોઢ મોદી સમાજનાં લોકોને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ હાથ ધરાશે તેમજ આગામી સમયમાં મુખ્યત્ત્વે ૪ ક્ષેત્રોમાં સમાજને આગળ વધારવા પ્રયત્નો હાથ ધરાશે. જેમાં સામાજીક ક્ષેત્રે પસંદગી મેળા, સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવું, ધાર્મિક ક્ષેત્રોમાં કુળદેવી મોઢેશ્વરી માતા અને બહુચરમાતાનાં મંદિરે વિશાળ પાટોત્સવનું આયોજન કરવું, શિક્ષણ ક્ષેત્રે IAS અને IPS જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ ક્લાસ શરૂ કરાશે તથા રાજકીય ક્ષેત્રે નાના મોટા ૧૦૦ જેટલાં ઘટકો ને એક કરી રાજકીય મદદ કરી તેમનું ઉત્થાન કરવામાં આવશે.
આ પ્રસંગે સોમાલાલ મોદીએ કન્યાઓની ઓછી સંખ્યાને લઇ જણાવ્યું હતુ કે મોદી સમાજમાં જ નહીં પણ સમગ્ર દેશમાં દિકરીઓની અછત છે ત્યારે બેટી બચાવો અભિયાન હેઠળ કામગીરી કરી પ્રયાસો હાથ ધરવામાં આવશે.
મંત્રીશ્રીના હસ્તે નવા નિમાયેલા હોદ્દેદારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મોઢ મોદી સમાજના આગેવાનો અને સમાજબંધુઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી