ભારતીય નેવલ એવિએશનના ઇતિહાસમાં પહેલી જ વખત, બે મહિલા અધિકારીઓને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં “ઓબ્ઝર્વર્સ” (એરબોર્ન ટેક્ટિશિઅન્સ) તરીકે નિયુક્તિ માટે પસંદ કરવામાં આવી છે. તેઓ વૂમન એરબોર્ન કોમ્બેટન્ટ્સના પ્રથમ સમૂહ તરીકે નિયુક્ત થશે જે યુદ્ધ જહાજો પરથી તેમનું પરિચાલન સંભાળશે.
અગાઉ, દરિયાકાંઠા વિસ્તારોમાંથી ઉડાન ભરતા અને ઉતરાણ કરતા ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
આ અધિકારીઓ, સબ લેફ્ટેનન્ટ (SLt) કુમુદીની ત્યાગી અને SLt રીતિ સિંહ ભારતીય નેવીના 17 અધિકારીઓના સમૂહમાંથી (નિયમિત બેચના 13 અધિકારી અને શોર્ટ સર્વિસ કમિશન બેચના 4 મહિલા અધિકારી) છે જેમાં ચાર મહિલા અધિકારી અને ભારતીય તટરક્ષક દળના ત્રણ અધિકારી પણ સામેલ છે, જેમને કોચી ખાતે INS ગરુડ પર 21 સપ્ટેમ્બર 2020ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં “ઓબ્ઝર્વર્સ” તરીકે સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા પછી “વિંગ”ની સોંપણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રીઅર એડમિરલ એન્ટોની જ્યોર્જ NM, VSM ચીફ સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે પુરસ્કારો એનાયત કર્યા હતા અને સ્નાતક થનારા અધિકારીઓને વિંગ્સની સોંપણી કરી હતી. વધુમાં, મુખ્ય અતિથિએ છ અન્ય અધિકારી (એક મહિલા સહિત ભારતીય નેવીમાંથી પાંચ અને ભારતીય તટરક્ષક દળમાંથી એક)ને ‘ઇન્સ્ટ્રક્ટર બેજ’ એનાયત કર્યા હતા. આ અધિકારીઓએ સફળતાપૂર્વક ક્વૉલિફાઇડ નેવિગેશન ઇન્સ્ટ્રક્ટર (QNI) તરીકે સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો છે.
આ પ્રસંગે બોલતા, રીઅર એડમિરલ એન્ટોની જ્યોર્જે સ્નાતક થનારા અધિકારીઓને શુભેચ્છા પાઠવતી વખતે એ તથ્ય પર પ્રકાશ પાડ્યો હતો કે, આ એવો સીમાચિહ્નરૂપ પ્રસંગ છે જ્યાં પ્રથમ વખત મહિલાઓને હેલિકોપ્ટર ઓપરેશન્સમાં તાલીમ આપવામાં આવી રહી છે જે છેવટે ભારતીય નેવીમાં અગ્ર હરોળના યુદ્ધ જહાજોમાં મહિલાઓની નિયુક્તિનો માર્ગ મોકળો કરશે.
91મા નિયમિત અભ્યાસક્રમ અને 22મા SSC ઓબ્ઝર્વર અભ્યાસક્રમની મહિલા અધિકારીઓને એર નેવિગેશન, ફ્લાઇંગ પ્રક્રિયા, એર વૉરફેરમાં ઉપયોગમાં લેવાતી વ્યૂહનીતિઓ, એન્ટી-સબમરીન વૉરફેર અને એરબોર્ન એવોનિક સિસ્ટમ્સના સંપૂર્ણ ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ અધિકારીઓ ભારતીય નેવી અને ભારતીય તટરક્ષક દળના ઓનબોર્ડ મેરિટાઇમ રિકન્સીઅન્સ અને એન્ટી સબમરીન વૉરફેર એરક્રાફ્ટમાં સેવા આપશે.
91મા નિયમિત ઓબ્ઝર્વર અભ્યાસક્રમમાંથી લેફ્ટેનન્ટ હિતેશસિંહને ‘કુલ મેરીટ ક્રમમાં પ્રથમ’ આવવા બદલ ઉત્તરપ્રદેશ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે લેફ્ટેનન્ટ અનૂજકુમારને ‘ફ્લાઇંગમાં શ્રેષ્ઠ’ તરીકે પસંદગી થવા બદલ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. લેફ્ટેનન્ટ હિતેશસિંહને ‘બેસ્ટ ઇન ગ્રાઉન્ડ સબજેક્ટ્સ’ તરીકે પસંદ થવા બદલ સબ લેફ્ટેનન્ટ આર.વી.કુંતે મેમોરિયલ બુક પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. 22મા SSC ઓબ્ઝર્વર અભ્યાસક્રમમાંથી SLt ક્રીશ્મા આર.ને ‘કુલ મેરીટ ક્રમમાં શ્રેષ્ઠ’ આવવા બદલ બુક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.