30 વર્ષની સેવા આપ્યા બાદ 2017માં ભારતીય નૌકાદળનું જહાજ INS વિરાટ સેના નિવૃત થયું હતું.
ભાવનગર વર્ષો સુધી ભારતીય નૌકાદળની શાન રહેલું યુદ્ધ જહાજ INS વિરાટ (INS Virat) આજે ભાવનગર પહોંચશે. દુનિયામાં સૌથી મોટા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ (Alang Ship breaking yard) પર યુદ્ધ જહાજ INS વિરાટને તોડવામાં આવશે. આ યુદ્ધ જહાજને તોડવામાં આશરે નવ મહિનાથી એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. 30 વર્ષની સેવા આપ્યા બાદ 2017માં ભારતીય નૌકાદળનું જહાજ INS વિરાટ સેના નિવૃત થયું હતું. આ એકમાત્ર યુદ્ધ જહાજ છે જેણે યુકે અને ભારત નૌકાદળની સેવા કરી છે.
મુંબઇથી ટગ કરીને ભાવનગર લવાયું
અલંગના દરિયા કીનારે આવી રહેલુ આ જહાજ પોતાની અંતિમ સફર તરફ વધી રહ્યું છે. ત્યારે લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચા છે કે, ઐતિહાસિક જહાજ અને ભારતીય સેનાના ગૌરવ સમા જહાજ અલંગના દરિયા કીનારે નામશેષ થવા જઈ રહ્યું છે. આ જહાજમાં યુદ્ધને લગતી આંતરીક મશીનરીઓ તથા જહાજનું મશીન પણ કાઢી લેવામાં આવ્યુ છે. આ જહાજને મુંબઈથી ટગ દ્વારા ખેંચી અને ભાવનગર બંદરે એંકરેજ પોઈન્ટ પર લાવવામાં આવ્યું છે.
ઐતિહાસિક જહાજને તોડવા માટે 38.54 કરોડ રૂપિયાની બીડ
ઐતિહાસિક જહાજને તોડવા માટે 38.54 કરોડ રૂપિયામાં અલંગ સ્થિત શ્રી રામ ગ્રુપે બિડ જીતી છે. કસ્ટમ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) તેમની કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ તેને તોડવા માટે સોંપવામાં આવશે. આઈએનએસ વિરાટ મૂળરૂપે બ્રિટીશ જહાજ છે અને 1959માં રોયલ નેવીમાં તેને કાર્યરત કરાયું હતું. ભારતે 1986માં તેને ખરીદ્યુ હતું અને ભારતીય નૌકાદળમાં 30 વર્ષ ગાળ્યા બાદ માર્ચ 2017માં આઈએનએસ વિરાટ સેના નિવૃત થયું હતું.