આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવના ફળ રાજયના છેક છેવાડાના માનવી ચાખી રહ્યા છે
મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર
કપિલ પટેલદ્વાર અરવલ્લી
જિલ્લાના ૨,૪૨૪ લાભાર્થિઓને ૬.૬૨ કરોડની સાધન સહાય ચુકવાઇ
રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂલન માટેના મહત્વાકાંક્ષી ગરીબ કલ્યાણ મેળો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સસંદીય બાબતો તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબો અને જરૂરીયાતમંદોના આર્થિક વિકાસ માટે કામ કરતી સરકાર છે. માન. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૯-૧૦ થી આ ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરી હતી. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૨,૬૬,૪૫૦ જેટલા લાભાર્થિઓને રૂ. ૨૧૦૫૯.૬ લાખની સાધન સહાય થકી રોજગારીનો અવસર પુરો પાડ્યો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના ૨,૪૨૪ લાભાર્થિઓને ૬.૬૨ કરોડની સાધન સહાય પુરી પાડવામાં આવી છે. જેથી તેઓ પોતાનુ અને પરીવારનું ગુજરાન સ્વમાનભેર ચલાવી શકે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સરકાર દ્રારા જરૂરીયાતમંદો માટે એક રૂપિયો ફાળવવામાં આવતો તો તે ગરીબ સુધી પહોંચતા ૧૫ પૈસા થઈ જતા જે વડાપ્રધાનશ્રી મોદીજીએ તેના નિરાકરણ વિશે વિચારી જેતે વ્યક્તિના બેંક અકાઉન્ટમાં જ સહાય સીધી ડી.બી.ટી. ના માધ્યમ દ્રારા જમા કરવાથી પૂરા પૈસા તેના સુધી પહોંચતા થયા છે. તમામ સમાજના લોકોને એક સાથે લઇ તેમના વિકાસની નેમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર સફળતા પૂર્વક આગળ વધારી રહી છે. આઝાદીના ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ અમૃત મહોત્સવના ફળ રાજયના છેક છેવાડાના માનવી ચાખી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટપ યોજના, નલ સે જલ યોજના, આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ થકી અમલી બનાવી વિકાસને વેગ આપ્યો છે.
આ પ્રસંગે સાંસદશ્રીમતિ રમિલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૭ વર્ષથી આ સરકાર પ્રજાહિતના કાર્યો કરી રહી છે. આજે માન. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર પ્રજાના દ્રારા જઈને તેમના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરે છે. ગરીબ કલ્યાણ મેળા અને સેવાસેતુ કાર્યક્ર્મ થકી પ્રજા- અધિકારી- સરકાર વચ્ચેની ખાઇ પૂરાઇ છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે હિંમતનગર તાલુકાની ૬ આર.બી.એસ.કે એમ્બુલેન્સ વાનને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ યતિનાબેન મોદી, શહેર અગ્રણી જે.ડી.પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યા કુવરબા, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તથા નિયામક ગ્રામ વિકાસ એજન્સીશ્રી આર.એમ. ડામોર સહિત પદાધિકારી-અધિકારીગણ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.