અમદાવાદ: દેશ અત્યારે કોવિડ-19ના બીજા ચરણમાંથી પસાર થઇ રહ્યો છે તેવા સંજોગોમાં ગુજરાત નિદેશાલયના NCC કેડેટ્સે યોગદાન કવાયત-II ના ભાગરૂપે નાગરિક પ્રશાસનને વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે. સુરતના DM દ્વારા કરવામાં આવેલી વિનંતીના પ્રતિભાવ રૂપે 56 ઉચ્ચ પ્રેરિત કેડેટ્સ (છોકરા અને છોકરીઓ બંને કેડેટ્સ) સ્વેચ્છાએ સુરતમાં કોવિડ-19માં કામ કરી રહેલી એજન્સીઓને રાહતના પ્રયાસો પૂરાં પાડવા અને મદદરૂપ થવા માટે તૈયાર થયા છે.
યોગદાન II કવાયતનો પ્રારંભ થયો હોવાથી ગુજરાત નિદેશાલયના વધુ કેડેટ્સ સ્વેચ્છાએ સહકાર આપશે તેવી શક્યતા છે. ગુજરાત નિદેશાલયમાં 18 વર્ષથી વધુ ઉંમરના માત્ર સિનિયર ડિવિઝનના બોય્ઝ કેડેટ્સ અને સિનિયર વિંગની ગર્લ્સ કેડેટ્સને NCC યોગદાન II કવાયત અંતર્ગત પ્રશાસનને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત નિદેશાલયના નિયુક્ત કરવામાં આવેલા તમામ કેડેટ્સ સિનિયર વોલિએન્ટર કેડેટ્સ રહેશે અને તેઓ કોવિડ સલામતીની તમામ તકેદારીઓનું યોગ્ય પાલન કરશે અને પૂરતી સંભાળ લેશે. કેડેટ્સને નિયુક્ત કરવામાં આવે તે પહેલાં કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ તેના વિશેની તાલીમ આપવામાં આવે છે.
વધુમાં, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ 2021 દરમિયાન ટીકા ઉત્સવની જાહેરાત કરી તેના પગલે, ગુજરાત નિદેશાલયે રસીકરણની જરૂરિયાત વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને કોવિડ માટે યોગ્ય આચરણોનું પાલન કરવાના મહત્વ વિશે લોકોને સમજાવવા માટે, ઘરે ઘરે જઇને સંવાદ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી સંખ્યામાં વીડિયો અને સંદેશાઓનો પ્રસાર કરીને સક્રિયપણે ભાગ લીધો હતો. દિલ્હી ખાતે NCC મહા નિદેશાલય દ્વારા પણ પૂરતા પ્રમાણમાં સ્વૈચ્છિક કેડેટ્સની સલામતી માટેની જોગવાઇ કરવામાં આવી છે. દિલ્હી ખાતે NCCના DG સક્રિયપણે જોડાયેલા છે અને કેડેટ્સની નિયુક્તિ માટે જરૂરી મંજૂરી આપી રહ્યાં છે.
ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે માહિતી આપી હતી કે, ગયા વર્ષે NCC યોગદાન I કવાયત દરમિયાન, ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સને મહત્તમ સંખ્યામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા જેની મહાનુભાવો અને ગુજરાતના લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં એવી પણ ખાતરી આપી હતી કે, NCC યોગદાન II કવાયત માટે નિયુક્ત કરવામાં આવતા ગુજરાત નિદેશાલયના કેડેટ્સ અને સ્ટાફ માટે કોવિડ-19 સંબંધિત તમામ સલામતીની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કેડેટ્સને નિયુક્ત કરવા માટે તેમના માતાપિતાએ આગળ આવીને મંજૂરી આપી તે બદલ તેમનું પણ અભિવાદન કર્યું હતું.