અમદાવાદ, યુગાન્ડા હાઇ કમીશન અને યુગાન્ડા ગુજરાત બિઝનેસ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આજે પ્રથમ વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં રોકાણકારોને બંન્ને દેશો વચ્ચે કારોબારી જોડાણ અને પર્યટન, તબીબી અને શિક્ષણ તથા આયાત-નિકાસ ક્ષેત્રે ઉપલબ્ધ તકો વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુજીબીએ યુગાન્ડામાં રોકાણ કરવા ઇચ્છતા તમામ રોકાણકારોને વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરે છે.
આ પ્રસંગે યુગાન્ડાના નાયબ કમિશનર એમ્બેસેડર કેઝાલા મોહમ્મદ બસવારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુગાન્ડા વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. ભારત યુગાન્ડાથી મોટી માત્રામાં કોફી, સોયાબીનની આયાત કરી રહ્યો છે. જ્યારે યુગાન્ડા ભારતથી કેમિકલ્સ, ટેક્સટાઇલ, લેધર તથા મેન્યુફેક્ચરીંગ સ્પેરપાર્ટ્સની આયાત કરે છે. યુગાન્ડા ભારતથી વાર્ષિક ધોરણે 838 અબજ ડોલરની આયાત કરવા સામે ભારતને 48 અબજ ડોલરની નિકાસ કરે છે. યુગાન્ડામાં એગ્રીકલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ માટે ઉત્તમ તક રહેલી છે. યુગાન્ડા ગર્વમેન્ટ ટેક્સ, આયાત ડ્યૂટી, વેટમાં મોટી રાહત આપી રહી છે જેના કારણે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
યુજીબીએના ડિરેક્ટર પબ્લિક રિલેશન દિપક ખન્નાએ જણાવ્યું કે ગુજરાતમાં આ પહેલી ઇવેન્ટ યોજાઇ રહી છે. ગુજરાતમાંથી એગ્રીકલ્ચર સેક્ટરમાં એનિમલ હસ્બન્ડરીના બિઝનેસમાં એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા છે. આ ઉપરાંત ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સલ્ટન્સી, નોલેજ સેરીંગ, એગ્રી, આયાત-નિકાસ જેવા સેક્ટરની કંપનીઓ યુગાન્ડામાં રોકાણ કરવા ઉત્સુક છે. એનીમલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આગામી એકાદ વર્ષમાં 100 કરોડનું રોકાણ ગુજરાતીમાંથી આવશે તેવો અંદાજ છે.
યુજીબીએના ચેરમેન ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું કે યુગાન્ડામાં ટુરિઝમ ઉપરાંત એગ્રીકલ્ચરમાં રોકાણ બાબતે અઢળક તકો રહેલી છે. મેરા કિસાન મેરા સ્વાભિમાન સ્લોગન અંતર્ગત એગ્રી કલ્ચર સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ અમે ભારતીય મૂળ નસ્લના 84 ઘોડા યુગાન્ડા સરકારને મોકલવાના છીએ. યુગાન્ડામાં 10 મોટા ફોરેસ્ટમાં પ્રવાસીઓની સફારી માટે આ ઘોડા ઉપયોગમાં લેવાશે, જેનું સંચાલન યુગાન્ડા ટુરિઝમ વિભાગ આ સફારીનું સંચાલન કરશે.