અમદાવાદ: ખેલો ઈન્ડિયા સેન્ટર”ને રમતદીઠ એક વખત મળવાપાત્ર શરુઆતી સહાય રુ. પાંચ લાખ. બાદમાં પ્રત્યેક રમતદીઠ આનુષંગિક ખર્ચ વાર્ષિક રુ. પાંચ લાખ
ઓલિમ્પિક -૨૦૨૪ને ધ્યાનમાં રાખી જિલ્લા કક્ષાએ રમતવીરોને તાલીમ આપવા માટે ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC) કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેમાં આર્ચરી,એથ્લેટિક્સ, બેડમિન્ટન સહિતની ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેલો ઈન્ડિયાસેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમત અને રમતદીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ લાભ લઈ શકશે. ત્યારે આ પ્રકારના સેન્ટર માટે સંસ્થાઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓ દરખાસ્ત કરી શકે છે.
ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમતદીઠ એક વખત મળવાપાત્ર શરુઆતી સહાય રુ. ૫(પાંચ) લાખ છે. ત્યારબાદ જરુરી સ્ટાફનું માનદ વેતન, રમતગમતના સાધનોની ખરીદી, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટેનો ખર્ચ માટે પ્રત્યેક રમતદીઠ વાર્ષિક રુ. ૫(પાંચ) લાખની સહાય મળવાપાત્ર છે.
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં આ સેન્ટર શરુ કરવા માટે ભારત અને ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ દ્વારા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા ફોર્મ નિયમઅનુસાર વેરીફાઈ કર્યા બાદ માન. કલેક્ટરશ્રી મારફત યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ, સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવાઈ છે.જેમાં ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓ અને પાંચ વર્ષથી વધુ સમયથી રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પુરુ પાડતી હોય તેવી એકેડમી, સંસ્થા, શાળાએ પોતાની દરખાસ્ત (વધુમાં વધુ ત્રણ રમત માટે ) જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદની કચેરીને મોકલી આપવાની રહેશે.
આ કચેરીનું સરનામું- જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, સાતમો માળ, રવિશંકર રાવળ કલાભવન, લો-ગાર્ડન, અમદાવાદ છે. આ દરખાસ્ત ૨૬-૦૫-૨૦૨૧ના સાંજે ૬-૦૦ કલાક સુધીમાં રુબરુમાં ૨(બે) નકલમાં મોકલી આપવાની રહેશે.
ખેલા ઈન્ડિયા સેન્ટર- કઈ રમતોનો સમાવેશ આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન,બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ-ટેનિસ, વેઈટ લિફ્ટીંગ, કુસ્તી. અહીં નોધનીય છે કે ભૂતપૂર્વ ખેલાડીઓ તથા સંસ્થાઓએ રજિસ્ટ્રેશન આઈડી મેળવેલા હોવા જોઈએ. ઓનલાઈન આઈ.ડી માટે – nsrs.kheloindia.gov.in પરથી રજિસ્ટ્રેશન કરી શકાશે. અરજી ફોર્મ ખેલો ઈન્ડિયા વેબસાઈટ પરથી મેળવી શકાશે.