વલસાડ: પુરુષો જેવા મસલ્સ ધરાવતી મહિલા બોડી બિલ્ડર્સ ભારતમાં ભાગ્યે જ જોવા મળતી હોય છે. ખાસ કરીને વિદેશી મહિલાઓ જ આવી સ્પર્ધામાં ઉતરતી હોવાનું જોવા મળતું હોય છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર મહિલા બોડી બિલ્ડર્સ બહાર આવી છે. જે વલસાડની વતની છે.
આ છે વલસાડની મહિલા બોડી બિલ્ડર્સ બિનિતા કુમારી. બિનિતા કુમારી હાલ ગુજરાતની એક માત્ર બોડી બિલ્ડર તરીકે ઉભરી આવી છે. મહિલા ફિઝીક્સની કેટેગરીમાં તેના સિવાય ગુજરાતની કોઇ પણ મહિલાએ આ ક્ષેત્રમાં આગળ આવી હોવાનું જોવા મળ્યું નથી.
બિનિતા કુમારીએ પુરુષ જેવા મસલ્સ ધરાવતું પોતાનું શરીર બનાવી મહિલા ફિઝીક્સની કેટેગરીમાં પોતે આગળ આવી છે. તેણે આંતરરાષ્ટ્રિય ક્ષેત્રની ઓલોમ્પિયા સ્પર્ધામાં પાંચમો ક્રમ મેળવી ગુજરાત જ નહી, પરંતુ ભારતભરમાં પોતાનું નામ ઉજળું કર્યું છે, પરંતુ તેમની આ સ્ટ્રગલમાં વ્યસ્તતાના કારણે વલસાડની સામાન્ય જનતાએ પણ તેમનું નામ ભાગ્યે જ સાંભળ્યું હોય.
બિનિતા કુમારી મૂળ બિહારના નવાદા ના વાતની છે. તેઓ 15 વર્ષ અગાઉ લગ્ન કરી ગુજરાત આવ્યા અને વલસાડ સ્થાયી થયા છે. ખૂબ જ રૂઢીચૂસ્ત પરિવારમાંથી આવેલા બિનિતા કુમારીએ 12 વર્ષ અગાઉ પોતાના શરીર ઉતારવા જીમ શરૂ કર્યું. જીમમાં જઇ તેમનામાં અનોખી ઉર્જા આવી અને તેઓ તેમાં વધુ રસ દાખવતા થયા અને એક દિવસ તેઓ એક સેમિનારમાં ગયા. જ્યાં તેમને મુંબઇના સેલિબ્રિટીના બોડી ટ્રેનર પ્રશાંત મિસ્ત્રી મળી ગયા અને પછી શરૂ થઇ તેમની બોડી બિલ્ડીંગની યાત્રા. મુંબઇના પ્રખ્યાત ટ્રેનર્સે તેમની કસરત પ્રત્યેની ધગશ જોઇ અને તેમણે તેમને ટ્રેઇન કરવાનું શરૂ કર્યું અને માત્ર 3 વર્ષની મહેનત થકી તેઓ પોતાના મસલ્સ બનાવવામાં સફળ થયા અને તેઓ સ્પર્ધામાં ભાગ લઇ શકે એટલા સક્ષમ થઇ ગયા અને તેમણે પ્રથમ સ્પર્ધામાં જ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી લીધો હતો.
બિનિતા કુમારી ને ગૃહિણીમાંથી બોડી બિલ્ડર્સ બનાવવામાં તેના કોચ પ્રશાંત મિસ્ત્રીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. કોઇ પણ વ્યક્તિ માત્ર કસરત કરીને બોડી બિલ્ડર નહીં બની શકે. બોડી બિલ્ડીંગ માટે દિવસમાં માત્ર 45 મિનિટની જ કસરતની જરૂર છે અને તે પણ સપ્તાહના માત્ર 3 દિવસ પુરતી. તેની સાથે યોગ્ય ખોરાક અને યોગ્ય ઉંઘની પણ જરૂરીયાત હોય છે. જેના સંપૂર્ણ કોમ્બિનેશન સાથે જ કોઇ પણ વ્યક્તિ સારા મસલ્સ બનાવી શકે છે.