અમદાવાદ: ‘સ્વર્ણિમ વિજય મશાલ’ની સમગ્ર દેશમાં એક છેડાથી બીજા છેડા સુધીની સફર પૂરી થયા બાદ, 04 ઑગસ્ટ 2021ના રોજ તે જામનગર ખાતે આવી પહોંચી હતી. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતના કિર્તીપૂર્ણ વિજયના 50 વર્ષની ઉજવણી નિમિત્તે સ્વર્ણિમ વિજય મશાલની સફર 16 ડિસેમ્બર 2020ના રોજ દિલ્હી ખાતે આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી શરૂ થઇ હતી. વિજયની મશાલની આ સફર 16 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીમાં યુદ્ધ સ્મારક ખાતે સંપન્ન થશે. આ દિવસને દર વર્ષે ‘વિજય દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે.
સ્વર્ણિમ વિજય મશાલ 06 ઑગસ્ટ 2021ના રોજ ભારતીય નેવલ શીપ (INS) વાલસુરા ખાતે આવી પહોંચી હતી. INS વાલસુરાના અધિકારીઓ, નાવિકો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ મશાલનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે, INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહા, VSM એ યુદ્ધ નિવૃત્ત જવાનોનું સન્માન કર્યું હતું અને સશસ્ત્ર દળોના આપણા શૂરવીર જવાનોએ આપેલા બલિદાન બદલ તેમની સ્મૃતિમાં વાલસુરા યુદ્ધ સ્મારક ખાતે પુષ્પ ગુચ્છ અર્પણ કર્યો હતો.