કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ૧૯૨૨ આંગણવાડીઓ ભૂલકા વિહોણી હતી. જે હવે ફરીથી ધમધમી છે. નાના બાળકોને આંગણવાડીમાં ફુલ આપીને ભારતીય પરંપરા મુજબ આવકારવામાં આવ્યા હતા. જિલ્લામાં આશરે ૪૦,૦૦૦ થી વધુ ભૂલકાઓ આંગણવાડીમાં જોડાયા હતા. આ બાળકોને કોરોના મહામારીના સંક્રમણથી બચાવવા માટે સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં આંગણવાડીઓ બંધ કરવામાં આવી હતી. જે હવે ફરીથી ફુલડારૂપી બાળકોથી ધમધમતી થઈ છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે શાળા- કોલેજોનું શિક્ષણ કાર્ય ઓનલાઇન કરવામાં આવ્યું હતું જે થોડા સમય પહેલા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આંગણવાડીઓમાં પણ બાળકોને આવકારવામાં આવ્યા હતા. નાના બાળકોને આંગણવાડી બહેનો દ્રારા કેન્દ્રમાં નાસ્તો કરાવતા પહેલા ફરજીયાત હાથ સાફ કરાવવા અને બાળક આંગણવાડીમાં રહે તે દરમિયાન માસ્ક પહેરી રાખે તે માટે સમજાવવામાં આવ્યા હતા. બાળકોને આંગણવાડીમાં પોષણયુક્ત આહાર આપવાની સાથે સુંદર મજાનું વાતાવરણ પુરૂ પાડવામાં આવશે. જે બાળ વિકાસ માટે ખુબ જ જરૂરી છે.