Breaking NewsLatest

૬ઠ્ઠી ડીસેમ્બર ૨૦૨૦- હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન.. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રવિવારે હોમગાર્ડઝ કચેરીનું ઈ-લોકાર્પણ કરશે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા રવિવારે રાજ્યના લખતર, કાલોલ, સુરેન્દ્રનગર અને ગોઝારીયા ખાતે નવનર્મિત હોમગાર્ડઝ કચેરીનું મુખ્ય કચેરીએથી ઈ-લોકાર્પણ કરશે

 ગાંધીનગર: રાજ્યના નાગરિકો અને પોલીસદળ વચ્ચેની કડી સમાન હોમગાર્ડઝ ૬ઠ્ઠી ડીસેમ્બરે સ્થાપના દિન ઉજવશે. કોરોનાકાળમાં નિષ્કામ સેવાનું સૂત્ર ચરિતાર્થ કરનાર હોમગાર્ડઝ રાજ્યભરમાં સ્થાપના દિનની ઉજવણી કોવીડ ગાઈડલાઈન્સના પાલન સાથે કરશે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા રવિવારે રાજ્યના લખતર, કાલોલ, સુરેન્દ્રનગર અને ગોઝારીયા ખાતે નવનર્મિત હોમગાર્ડઝ કચેરીનું અમદાવાદ સ્થિત હોમગાર્ડ ભવન ખાતેથી ઈ-લોકાર્પણ કરશે.
કુદરતી કે માનવસર્જિત આફત, કાયદો-વ્યવસ્થા પાલન અને બંદોબસ્ત જેવી તમામ પરિસ્થિતિમાં હોમગાર્ડઝ પોલીસ દળના ખભેથી ખભો મિલાવી કામગીરી કરતાં આવ્યા છે. રાજ્યમાં ૩૯,૬૨૨ હોમગાર્ડઝ, ૪૨,૯૫૮ ગ્રામ્ય રક્ષકદળ (જેમાં ૩૪૮૪ સાગર રક્ષક દળ)ના જવાનો અને ૧૦,૩૨૩ સિવિલ ડીફેન્સ વોલન્ટીયર્સ તૈનાત છે. આ દળમાં રાજ્યની મહિલાઓ પણ હોશભેર જોડાય છે. રાજ્યમાં ૬૪૧૧ મહિલા ગ્રામ્ય રક્ષક અને ૧૯૩૦ મહિલા હોમગાર્ડઝ તૈનાત છે.
કોરોનાકાળમાં હોમગાર્ડઝના જવાનોએ જન-જાગૃતિ, પેટ્રોલીંગ, વાહન ચેકીંગ-નાકાબંધી અને શ્રમિકોની સંભાળમાં પોલીસની સાથે ખડેપગે રહી કર્તવ્યપરાયણતા દાખવી છે. કોરોના સામે ગુજરાતની લડાઈમાં તેઓ પણ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર બની જોડાયા હતા. ૧૨ હોમગાર્ડઝ જવનોએ કોરોનાને કારણે પોતના જીવ પણ ગુમાવ્યા છે.
હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના પુરુષ-મહિલા જવાનોને પ્રાથમિક સ્કોર્ડ રીલ, આર્મ્સ ડ્રીલ/મસ્કેટરી તાલીમ, લાઠીની તાલીમ, નાકાબંધી ગોઠવણી, પી.ટી.ની તાલીમ, પ્રાથમિક સારવાર/ ફર્સ્ટ એડ તાલીમ, અગ્નિશમન અને અન્ય બચાવ-રાહત કામગીરી, ધાડપાડુઓ અને લુટારુઓનો  સામનો કરવાની તાલીમ, રાઈફલ તાલીમ, કાયદાનુ સામાન્ય જ્ઞાન અને નર્સિગ હોમની તાલીમ આપવામાં આવે છે.
હોમગાર્ડઝની સ્થાપનાનો હેતુ માનદ સેવા આપવા  ઇચ્છતા સમાજના જુદા જુદા વર્ગના લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્તબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્તજબદ્ધ નાગરિક દ્વારા કૂદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્વા‍ર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્કામ કામગીરીની ભાવના કેળવવી તે છે.

આઝાદી પહેલા મુંબઈ પ્રેસીડેન્સીના તત્કાલિન ગૃહમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ ૬ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ હોમગાર્ડઝ દળની સ્થાપના કરી હતી. ત્યારબાદ આઝાદ ભારતમાં બંધારણીય જોગવાઈઓ અને તેમાં વખતો-વખતના સુધારા થકી આજે હોમગાર્ડઝ અને લોક સંરક્ષણ વિભાગ તેના વર્તમાન સ્વરૂપે કાર્યરત છે.

૧૯૬૦ પછી ભારત- પાક યુદ્ધ, ભારત-ચીન યુદ્ધ અને કોમી રમખાણોમાં હોમગાર્ડઝ જવાનોની સેવાઓ પ્રશંસનીય રહી છે. દિન પ્રતિ દિન હોમગાર્ડઝ દળમાં નાગરિકોની સેવા ભાવનામાં વધારો થતાં તમામ જિલ્લાઓમાં હોમગાર્ડઝ દળની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લા કમાન્ડન્ટની જગ્યાઓ ઉભી કરીને પ્રતિષ્ઠીત નાગરિકોની નિમણુંક કરવામાં આવી. જેઓ માનદ સેવા આપતા હોય છે.

ભૂતકાળમાં હોમગાર્ડઝ દળમાં અમદાવાદ શહેરના ગર્ભશ્રીમંત કહી શકાય તેવા શ્રી રણછોડલાલના પનોતા પૌત્ર શ્રી ઉદયન ચીનુભાઈ, સાબરકાંઠા જીલ્લા ખાતે ઇડર સ્ટેટના રાજવી અને ઓલિમ્પિક ખેલાડી મહારાજ શ્રી ઉમેદસિંગજી. એડવોકેટ શ્રી નાનુભાઈ સુરતી, વડોદરા ખાતે શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, ભરૂચ ખાતે શ્રી વિજયસિંહ ઠાકોર, કચ્છ-ભુજ ખાતે ડો. રુદ્રસિંહજી જાડેજા, જામનગર ખાતે ડો. ચુડાસમા, જુનાગઢ ખાતે ડો. વસાવડા, સુરેન્દ્રનગર ખાતે શ્રી રમેશભાઈ ઓઝા વિગેરે નામાંકિત વ્યક્તિઓ દ્વારા આ દળનું સંચાલન કરવામાં આવતું હતું.

હોમગાર્ડઝ દળના જવાનોએ હંમેશા પ્રજાની પડખે પોલીસદળની સાથે ખભે ખભા મિલાવી ફરજ બજાવી છે. મચ્છુ ડેમ હોનારત કે પછી ભૂકંપ હોય તેમજ કોરોના જેવી કુદરતી હોનારતો હોય કે માનવસર્જીત આંદોલનો, કોમી રમખાણો કે અન્ય ધાર્મિક પ્રસંગોએ હોમગાર્ડ જવાનો સેવા આપે છે. હોમગાર્ડઝ દળના જવાનોના વેલફેરને ધ્યાને લઇ ૧૯૭૯માં વેલફેર ફંડની જોગવાઈ કરવામાં આવી છે.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એ. શેખના જણાવ્યા અનુસાર હોમગાર્ડઝ જવાનોને અધ્યતન તાલીમ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના વડોદરા જીલ્લાના જરોદ ખાતે સેન્ટ્રલ તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે. ઉપરાંત સુંઢીયા તેમજ માધવનગર ખાતે પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે.

હોમગાર્ડઝ જવાનોની પ્રશંસનીય સેવાઓને ધ્યાને લઈ ભારત સરકાર તરફથી દેશના અન્ય રાજ્યોમાં પણ તેમની સેવાઓ લેવામાં આવે છે. ગત લોકસભા ચુંટણી વખતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હોમગાર્ડઝ જવાનોએ સેવાઓ આપી હતી.

જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિપુલ દવેના જણાવ્યા અનુસાર હોમગાર્ડઝ જવાનોની પ્રશંસનીય સેવાઓ બદલ તેઓને માન. રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક, માન. મુખ્યમંત્રીશ્રીના ચંદ્રક તેમજ શોર્યભરી સેવાઓ માટે રાજ્યપાલ પદક તેમજ રોકડ રકમ ઇનામ તરીકે આપવામાં આવે છે. હોમગાર્ડઝ જવાનોને રમત ગમતમાં પ્રોત્સાહિત કરવા માટે ઓલ ગુજરાત હોમગાર્ડઝ સ્પોર્ટ્સ મીટનું પણ આયોજન કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *