ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘુસી ત્રણ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડોના જવાનોએ મક્કમ મુકાબલો કરી બે આતંકીઓને જીવતા પકડ્યા હતા. જ્યારે એક આતંકવાદીને સી.આઇ.એસ.એફ. ના જવાનો દ્વારા ઠાર મારવામાં આવ્યા હતો. રાજ્ય આતંકવાદ વિરોધી સુરક્ષા સારું ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
સાંજે ૬ વાગે વિમાન હાઈજેક કરવાના ઈરાદે ત્રણ આતંકીઓ કાર સાથે ભાવનગર એરપોર્ટ ઓફિસના એડમીન ગેટ પર પહોંચ્યા હતા. સિક્યોરિટીએ અટકાવતા અચાનક તેમણે બોમ્બ ફોડીને અંદર ઘુસી ગયા હતા. અને ત્રણ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગેની વિગતો ભાવનગર શહેર પોલીસ, જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી હતી. ભાવનગર પોલીસ, SOG, CISF અને QRT દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો.
જિલ્લા પ્રશાસન વતી સીટી મામલતદારશ્રી કે.બી. ચાંદલિયા એ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલરૂમમાંથી આંતકીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં આંતકીઓએ ધરપકડ કરાયેલ અને જેલમાં બંધ આતંકીને મુક્ત કરવાની, એક હેલિકોપ્ટર તેમજ રૂા.૧૦૦ કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને ઝબ્બે કર્યા હતા અને તેમની પાસેથી ત્રણ એ.કે. ૪૭ રાઈફલ કબ્જે કરવામાં આવી હતી.
આતંકવાદીઓના રાઉન્ડ ફાયરીંગ સામે કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન તમામ ત્રણ બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.
મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો હતો. એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી.
મોકડ્રીલમાં ઈ.ચા. પોલીસ અધીક્ષક શ્રી અંશુલ જૈન, સિટી પોલીસ, એસ. ઓ. જી. , કયુ, આર.ટી., એલ.આઇ.બી., ફાયર વિભાગ, મેડિકલ ટીમ, એરપોર્ટ ઓથોરિટી અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.