મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે.આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે.
તેમણે ઉમેર્યું કે,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે.દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.માતૃભાષા હોય કે નવોન્મેષ શોધસંશોધન, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જ્ઞાન કેન્દ્રિત રહી છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ૭૨માં પદવિદાન સમારોહમાં કુલ ૨૩૧ વિદ્યાર્થિનીઓ અને ૧૧૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૪૫ સુવર્ણપદકો મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.સાથે તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની યુવાશક્તિ માટે સુવર્ણકાળ આવ્યો છે,એમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાશક્તિના ઘડતર અને અભ્યુદયથી યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપી રહી છે.દેશના યુવાનો સામે અત્યારે અનેક તકો ઉભી થઇ છે.તેની પ્રતીતિ કેન્દ્ર સરકારના બજેટમાં પણ થાય છે.જેમાં દેશની પ્રગતિનો મુખ્ય આધાર સમક્ષ સબળ-સક્ષમ યુવાશક્તિને ગણાવવામાં આવ્યો છે.વડાપ્રધાનશ્રીએ શિક્ષણના બજેટમાં સાત ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તુત થયેલા બજેટમાં શિક્ષણ માટે આર્થિક જોગવાઇમાં ૨૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ.૫૫,૧૧૪ કરોડ ફાળવવામાં આવ્યા છે,તેમ ગૌરવ સહ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે,રાજ્યના બજેટમાં ગરીબ,યુવાનો,અન્નદાતા અને નારીશક્તિ સાથે શિક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.ફ્યુચરસ્ટિક અને ડિસરપ્ટિવ ટેક્નોલોજીને વેગ આપવા માટે એન્જીનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવા માટે રૂ.૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
બજેટની વિશેષતાઓની ભૂમિકા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે,સરકારી એન્જીનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં ગ્રિન હાઇડ્રોજન ટેક્નોલોજી,ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રોના સેન્ટર ઓફ એક્સલન્સ,સ્પોર્ટ ટેક્નોલોજી સેન્ટરની સ્થાપના માટે રૂ. ૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.આ અદ્યતન સેન્ટરથી યુવાનોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થશે.
નવસ્નાતકોને શીખ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,ડિગ્રી મળતાની સાથે યુવાનોની વ્યવસાયિક જીવનનો પ્રારંભ થાય છે.યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે,એના ઉપયોગ થકી સમાજને પરત આપનો સમય છે.શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે.યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાન થકી છાત્રો સમસ્યાઓના સમાધાન શોધવા,રોજગારીના સર્જનમાં મદદરૂપ બને એ જરૂરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાની સંકલ્પનાને સાકાર કરવા યોગદાન આપવા તેમણે યુવાનોને આહ્વાન કરતા કહ્યું કે,રાજ્યમાં ગ્લોબલી એમ્પ્લોયેબલ વર્કફોર્સ તૈયાર કરવાનું લક્ષ્ય છે.કૌશલ્યવાન યુવાશક્તિના કૌવતથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓ પૈકી એક ગુજરાત અને શ્રેષ્ઠ ૨૫૦માં લઘુત્તમ ૧૦ સંસ્થાઓ ગુજરાતની હોય એવી પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી હતી.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રારંભે મહારાજ સયાજીરાવને યાદ કરી તેમના શિક્ષણ ક્ષેત્રે યોગદાનને બિરદાવ્યું હતું.
પદવિદાન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ધનંજય ચંદ્રચૂડે પદવિધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી આજનો દિવસ તેમનો હોવાનું જણાવ્યું હતું.વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી ચંદ્રચૂડે કહ્યું કે,તમારી પાસે નવા વિચારો છે,પ્રચંડ આત્મવિશ્વાસ છે,કામ કરવાની ભરપૂર શક્તિ છે.જેનાથી તમે તમારી કારકિર્દીનું ઘડતર કરવાની સાથે સેવાભાવ સાથે સમાજમાં યોગદાન આપીને તમારું ઋણ ઉતારી શકો છો.શિક્ષણ એ સમાજ પાસેથી જે લીધું છે,તેને પરત અને વળતર આપવાનું માધ્યમ છે,તેમ તેમણે જણાવ્યું હતું.
યુનિ.ના કેમ્પસમાં પ્રથમ પગ મૂકવાથી માંડીને આજે પદવિ ધારણ કરવા સુધીની યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારનો પણ અમૂલ્ય ફાળો અને ભોગ છે,તેમ શ્રી ચંદ્રચૂડે ઉમેર્યું હતું.આજના સમયમાં શિક્ષણ થકી જ સમગ્ર વિશ્વને સમૃદ્ધ બનાવી શકાય છે,તેમ જણાવી તેમણે શિક્ષણનું લક્ષ્ય માત્ર કારકિર્દી કે ડિગ્રી સર્ટિફિકેટ જ નથી,પરંતુ આદર્શ અને શ્રેષ્ઠ નાગરિક બનવા માટેની પ્રથા અને માર્ગ હોવાનું મક્કમતાથી જણાવ્યું હતું.ગોલ્ડ મેડલ અને પદવિ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓની વધારે સંખ્યા આધુનિક ભારત માટે સીમાચિહ્નરૂપ છે તેમ જણાવી તેમણે આજના સમયને પરિવર્તનનો સમય ગણાવ્યો હતો.
એમ.એસ.યુનિ.ને ૭૫ વર્ષ પૂર્ણ કરી અમૃતકાળમાં પ્રવેશવા બદલ શુભકામનાઓ પાઠવી સી.જે.આઈ.શ્રી ચંદ્રચૂડે સમાજ અને રાષ્ટ્રમાં ગુણાત્મક પરિવર્તન માટે શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા અને મહત્તા વર્ણવી હતી.સુધારાઓ માટે શિક્ષણ સંસ્થાઓની મહેનતને તેમણે બિરદાવી હતી.
સંસ્કારી નગરી વડોદરામાં આવું એટલે ગૌરવની લાગણી અનુભવાય તેમ સહર્ષ જણાવી શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી ધારણ કરનારા તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને યુનિ.ના અમૃતકાળના પ્રથમ સ્નાતકો/અનુસ્નાતકો કહીને સંબોધ્યા હતા.શ્રી પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સામાજિક જીવનમાં પદાર્પણની શુભકામનાઓ પાઠવીને ગૌરવભેર જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ આપીને જે ભૂમિકા બાંધી છે,તેને પરિપૂર્ણ અને ચરિતાર્થ કરવાની જવાબદારી આજના શિક્ષિત યુવાવર્ગની છે.તેમણે વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો,ભારતને વિકસિત દેશ તરીકે જોવાનો,માણવાનો અને ગૌરવ લેવાનો સમય આજના પદવીધારક વિદ્યાર્થીઓના હાથમાં હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું.ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ખૂબ વધારે છે,જે પરિવર્તન અને વિકાસની વાતો સાર્થક કરે છે,તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતીય સંસ્કૃતિથી પલ્લવિત નવી શિક્ષણ નીતિથી ગુલામીની માનસિકતા તૂટશે અને આ નીતિ નવા ભારતનો પાયો નાખશે,તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.નવી શિક્ષણ નીતિના કારણે ઝડપથી બદલાતા સમય અને ઝડપથી બદલાતી જરૂરિયાતોને અનુલક્ષીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું મોટું યોગદાન આપી શકશે.ઈર્ષ્યા અને અહમથી દૂર રહીને સ્થિતપ્રજ્ઞતા તેમજ અપાર ધીરજ સાથે કર્તવ્યપથ પર સતત આગળ વધવાની સોનેરી શીખ આપીને શિક્ષણમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સફળ થવાના પ્રેરણાદાયી મંત્રો આપ્યા હતા.
કેન્દ્ર અને રાજ્યનું બજેટ રાષ્ટ્રભાવના સાથે આગામી ૨૫ વર્ષનો રોડમેપ રજૂ કરે છે,તેમ જણાવી શ્રી પટેલે વસુધૈવ કુટુંબકમની ભાવના દાખવવા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દુનિયામાં સતત આગળ વધતા ભારતના નામ અને કીર્તિને નવા આયામો સુધી પહોંચાડવા માટે પ્રબળ કર્મનિષ્ઠાથી કાર્ય કરવાની શ્રી પટેલે અપીલ કરી હતી.
ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા ચાન્સેલર રાજમાતા શ્રી શુભાંગિનીદેવી ગાયકવાડે પદવિધારકોને માનવકલ્યાણ અને સમૃદ્ધિ માટે સખત મહેનતથી કામ કરવાનો માર્ગ પ્રશિસ્ત કરી પોતાના ચારિત્ર્ય,સંસ્કાર થકી યુનિવર્સિટીનું નામ ગૌરવાન્તિ કરવા જણાવ્યું હતું.આજે તમે વિદ્યાર્થી જીવનમાંથી સમાજ જીવનમાં પદાર્પણ કરી રહ્યા છો,ત્યારે મેળવેલ શિક્ષણને આત્મસાત કરી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી વડોદરાના રાજવી પરિવારે આ યુનિવર્સિટી માટે આપેલા અમૂલ્ય યોગદાનની વિગતો પણ તેમણે વર્ણવી હતી.
કુલપતિ ડો.વિજય શ્રીવાસ્તવે સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિઓની ભૂમિકા આપી હતી.
આ વેળાએ મેયર શ્રીમતી પિન્કીબેન સોની,સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ અને શ્રી કેયુરભાઇ રોકડિયા,અગ્રણી શ્રી ભરતભાઇ ડાંગર સહિત યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.