તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ જણાવ્યું હતું કે 10 મહિનાના ટૂંકા ગાળામાં આધુનિક સુવિધાયુકત બિલ્ડિંગ બન્યું એ માટે આચાર્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે જેમાં શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચુ આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓ ભણે ત્યારે સમગ્ર પરિવાર ને આગળ લઈ જાય છે. દરેક ક્ષેત્રે દીકરીઓનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નવું પરિવર્તન આવી રહ્યું છે જેમાં દીકરીઓ શિક્ષિત થઈ રહી છે. દીકરીઓ કોલેજ સુધી ભણે એ માટે અનેક યોજનાઓ કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા 2.56 કરોડના ખર્ચે આ શાળાનું અધતન સુવિધાયુક્ત મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં શાળાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો શાળામાં ત્રણ ક્લાસરૂમ, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા તથા વિદ્યાર્થીઓને વાંચન માટે પુસ્તકાલય, હાલના ટેકનોલોજીના સમયમાં તળાજાના આ વિદ્યાર્થીઓ પણ પાછળ રહી ન જાય તે માટે 15 અદ્યતન કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે. એક વિશાળ કહી શકાય તેવો પ્રાર્થનાખંડ છે તથા શાળાના બંને માળે વિદ્યાર્થીઓ માટે પાણી પીવા માટે આર.ઓ. અને વોટર કુલર મૂકવામાં આવેલ છે તથા ભાઈઓ અને બહેનો માટેના વોશરૂમ બનાવવામાં આવેલ છે.
તળાજા શહેરની બરોબર વચ્ચે 10,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં આ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહનું અદ્યતન સુવિધાયુક્ત મકાનની સાથે સાથે ખૂબ જ સુંદર અને શૈક્ષણિક ભાવાવરણને અનુકૂળ વિશાળ રમતનું મેદાન બનાવવામાં આવેલ છે. આ શાળાના આચાર્યશ્રી ડો. પ્રકાશભાઈ રાઠોડને સપ્ટેમ્બર 2022 માં સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવેલ છે .
હાલમાં આ શાળાના ત્રણ વિધાર્થીઓ નીટની પરિક્ષામાં સારો સ્કોર કરીને MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ઘણા વિધાર્થીઓ હાલમાં એન્જીનીયર, પોલીસ, ફોરેસ્ટ અને આર્મીમાં ફરજ બજાવે છે.
આ તકે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેન્દ્રસિંહ પઢેરીયા, નિવૃત્ત પ્રાચાર્ય ડો. મનહરભાઈ ઠાકર, આગેવાનશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું
શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી શ્રી જે.એચ.સોલંકી, આગેવાન શ્રી વિક્રમભાઈ ડાભી, શ્રી રાણાભાઇ સોલંકી, શ્રી હેતલબેન રાઠોડ સહિત શાળા પરિવાર, આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.