એબીએનએસ, ગોધરા (પંચમહાલ): સ્કાય લેન્ટર્ન” (ચાઈનીઝ તુક્કલ) તેમજ ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીના ઉપયોગથી પશુ-પંખી તેમજ પર્યાવરણને થતા નુકશાન, આગજની કે તેવી કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે ગુજરાત હાઈકોર્ટના હુકમથી ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, નવી દિલ્હીના હુકમથી પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાયણ તેમજ અન્ય તહેવારો દરમ્યાન ચાઈનીઝ તુકકલ, ચાઈનીઝ લેન્ટર્ન ખુબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે.
આ તુકકલમાં હલ્કી કવોલીટીના જલ્દી સળગી ઉઠે તેવા વેકસ પદાર્થોના ઉપયોગના કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તેમજ આકાશમાં સળગેલ તુકકલ પવન અથવા કોઈ વસ્તુ સાથે અથડાવાથી તેમા આગ લાગે છે અને આ સળગેલ ચાઈનીઝ તુકકલ, ચાઈનીઝ લેન્ટર્ન ગમે ત્યાં પડવાના કારણે લોકોના જાનમાલ અને સંપત્તિને ઘણું નુકશાન થાય છે તેમજ મોટા આગ / અકસ્માતના બનાવો બને છે.
આ ઉપરાંત પતંગ મહોત્સવ દરમ્યાન પતંગ ચગાવનારા દ્વારા પ્લાસ્ટીક/સીન્થેટીક ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને જીવલેણ ઈજાઓ પહોચવાના તથા દુર્ઘટનાઓ/અકસ્માતો સર્જાવાના કિસ્સાઓ મકરસંક્રાતિ દરમ્યાન બનતા હોય છે તથા આકાશમાં ઉડતા પક્ષીઓને પણ શારીરિક ઈજાઓ થવાના તથા કેટલાક કિસ્સાઓમાં તેઓના મૃત્યુ થવાનું પણ જોવા મળે છે.
ઉપરાંત જાહેર માર્ગો પરથી અવર જવર કરતા રાહદારીઓ, વાહન ચાલકોને પણ પ્લાસ્ટીક/સીન્થેટીક ચાઈનીઝ દોરીઓના ઉપયોગના કારણે શારીરિક ઈજાઓ પહોચવાના કિસ્સાઓ બને છે. એટલું જ નહીં આ દોરીઓ ઈલેકટ્રીક પાવર લાઈન સાથે સ્પર્શ થવાને કારણે પણ જીવલેણ અકસ્માતો બને છે જે જાહેર સલામતીની દૃષ્ટિએ ખૂબ જ જોખમકારક બાબત પુરવાર થતી હોય છે. જેને ધ્યાને લઇ જાહેર સુરક્ષા/સલામતિના હિતમાં પંચમહાલના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયા છે.
આ અનુસાર જિલ્લામાં પતંગોત્સવ હેતુસર પ્લાસ્ટીક/નાયલોન/સીન્થેટીક કાંચ, મેટલ કે તેવા અન્ય ધારદાર પદાર્થોમાંથી બનાવવામાં આવેલ હોય તેવી દોરીઓ કે જેના ઉપયોગથી માનવ, પશુ પક્ષીઓને શારીરીક, જીવલેણ ઈજાઓ પહોચવાની સંભાવના હોય તેવી પ્લાસ્ટીક/નાયલોન/સીન્થેટીક ચાઈનીઝ દોરીઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તથા ઉપયોગ કરવા ઉપર તથા પંચમહાલ જિલ્લા હદ વિસ્તારમાં ચાઈનીઝ તુકકલ, ચાઈનીઝ લેન્ટર્સના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.આ પ્રતિબંધ આગામી તા.૧૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.