ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી ભરૂચ જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરીની 6 ઘટનાને અંજામ આપનાર ત્રણ પૈકી એક સાગરીતને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી છે.
ભરૂચ જિલ્લામાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અટકાવવા અને ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા મળેલ સુચનાને આધારે ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડિયા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ ચોરીના ગુના સંડોવાયેલ સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઇસમ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ફરી રહ્યો છે.
આ બાતમીના આધારે એલસીબીએ પ્રતિન વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ મળી આવતા પોલીસે તેને અટકાવી તેની પુછપરછ કરતા તે વડોદરાના બાજવા ગામના યોગેશ્વર પાર્કમાં રહેતો તેજેન્દરસિંગ ઉર્ફે રોહિત રગબીરસિંગ સરદાર હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની વધુ પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ભરૂચના કસક વિસ્તારમાં રહેતો તેના મામા સતવનસિંગ ગુરદાસસિંગ સરદાર અને તેઓના મિત્ર જશબીરસિંગ જોગીન્દરસિંગ સાથે ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 6 સ્થળોએ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે ઝડપાયેલ ઇસમ પાસેથી 5 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.