પાટણ. એઆર. એબીએનએસ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે. તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ, શંકાસ્પદ ઘી ના ટ્રાન્સપોર્ટની બાતમીના આધાર પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટ ની તપાસ કરતાં ટ્રાન્સપોર્ટર પાસે થી ત્રણ દરવાજા, ઘી બજાર, પાટણ ની વિવિધ ત્રણ પેઢી (મોદી દિપેશ શરદભાઈ, ઘીવાલા સંદીપકુમાર રસીકલાલ, ઘીવાલા બાબુલાલ ચીમનલાલ & CD.) નો ઘી નો સ્ટોક જોવા મળતા કુલ ૫ શંકાસ્પદ ઘી ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ આશરે ૪૦૫ કિલો શંકાસ્પદ ઘી કે જેની અંદાજિત કિંમત રૂ. ૨.૩૬ લાખ છે, જે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ લીધેલ ઘી ના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી શહેરમાં ભેળસેળયુક્ત અને અયોગ્ય ખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવાના પ્રયાસ હેઠળ હાથ ધરવામાં આવી છે એવું ડેઝીગ્નેટેડ ઓફીસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,પાટણ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.