અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી એટીએસએ 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓમાંથો કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે.
ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ. એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે. તેઓએ 5 થી 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે. સામાન્ય રીતે UID નંબર સાચો હોય છે પરંતુ, કોઈ વ્યક્તિ ઘણા સમય સુધી લાયસન્સ રીન્યૂ ના કરાવે તો તેઓ ડેટામાં છેડછાડ કરીને આ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવતું હતું આ તમામ લોકોએ લાયસન્સ લેવા માટે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને જે તેને કોઈ સરકારી કચેરીમાં નહીં પરંતુ કોઈ ખાનગી જગ્યાએ બોલાવીને લાયસન્સ અને હથિયાર આપ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ હાલ તમામના રિમાન્ડ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આ તમામ લોકો એક જ કડીથી જોડાયા હોય એવું માનવામાં આવી રહ્યું છે. હજી પણ આ સમગ્ર કૌભાંડની અંદર કોણ-કોણ બીજા સામેલ છે? તેની તપાસ કરવામાં આવી રહી છે
આ પકડાયેલા 7 શખસો પાસેથી 3 રિવોલ્વર તથા તેના 187 રાઉન્ડસ અને 4 પિસ્ટોલ તથા તેના 98 રાઉન્ડસ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. તપાસના આધારે ATSએ કુલ 7 આરોપીની ધરપકડ કરી છે.જેમાં મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગરનો સમાવેશ થાય છે.