અમદાવાદ, સંજીવ રાજપૂત: અગોરા મોલ નજીક રહેતા ભારતીય સેનામાંથી સુબેદાર મેજર તરીકે નિવૃત્ત થયેલા પંકજકુમાર પાંડેના પુત્ર પ્રીન્સ પાંડે, જે USDT (ક્રિપ્ટોકરન્સી) ટ્રેડિંગ સાથે સંકળાયેલા છે, તેમનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે.
પ્રિન્સ પાંડે દ્વારા અગાઉ કરણ નામના શખ્સ સાથે થયેલી ચર્ચા અનુસાર, રોકડ રકમના બદલે USDT આપવાની વાત એક ગ્રાહક સાથે નક્કી થયેલી. 15 જુલાઈ 2025 ની રાત્રે લગભગ 2:00 વાગ્યે પ્રિન્સ ના મિત્રના ફોન માંથી ફોન કરીને પ્રિન્સને બાપુનગર ટોલનાકા પાસે બોલાવવામાં આવેલ ત્યાં સંડોવાયેલા આરોપીઓએ નંબર પ્લેટ વગરની કાળી કાચવાળી ગાડીમાં પ્રિન્સ ને બેસાડી ત્યાંથી જતા રહયા હતા.
અપહરણ બાદ આરોપીઓએ પ્રિન્સને કહ્યું કે જો તેમને ઘરે સુરક્ષિત પહોંચવું હોય તો તેઓએ રૂ. 42 લાખની કિમતના 50,000 USDT આપવા પડશે. પ્રિન્સ પાસે USDT વૉલેટનો સ્ટ્રોંગ પાસવર્ડ ન હોવાથી, આરોપીઓએ ગાડીમાં જ ગર્દાપાટા અને લાકડીઓ વડે માર મારી સતત પાસવર્ડ માટે દબાણ કર્યું.
પ્રિન્સને રાતભર એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાંઆવ્યો અને તેમના પર સતત ફિઝિકલ અસોલ્ટ કરવામાં આવ્યું. આ અંગે જાણ થતાં પ્રિન્સના પિતા પંકજકુમાર પાંડે દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કરીને પોલીસને જાણ કરાઈ.
ત્યાર બાદ કંટ્રોલ દ્વારા અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ પીએસઓને જાણ કરવામાં આવી અને તેઓ દ્વારા તરત જ રાત્રે નાઈટમાં રોકાયેલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સતર્ક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ક્રાઈમ બ્રાંચ દ્વારા વિવિધ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને ઇન્ટેલિજન્સની મદદથી રાતે જ તપાસ આરંભવામાં આવી. સતત પ્રયાસો બાદ આખરે બપોરના સમયે પ્રિન્સ પાંડે ને સહી સલામત શોધી કાઢવામાં આવ્યો સાથે સાથે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા.