અંક્લેશ્વર GIDCમાં આવેલા રીગલ એપાર્ટમેન્ટની દુકાનમાંથી શંકાસ્પદ રીતે મુકવામાં આવેલા 16 ઇલેક્ટ્રીક વેલ્ડીંગ મશીન કિં.રૂ. 2.77 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ CRPC કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા એસપી ડૉ.લીના પાટીલે જિલ્લામાંથી મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા આદેશ આપ્યા હતાં. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
અંક્લેશ્વર LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કે, કાપોદ્રા રોડ ઉપર આવેલા રીગલ એપાર્ટમેન્ટમાં નીચેની શટરવાળી દુકાનમાં વેલ્ડીંગ મશીનનો શંકાસ્પદ મુદ્દામાલ સંતાડી રાખવામાં આવ્યો છે. LCBની ટીમે માહિતીના આધારે તે સ્થળ ઉપર તપાસ કરતા દુકાનમાંથી ઇલેક્ટ્રીક વેલ્ડીંગ મશીન નંગ-16 મળી આવ્યા હતાં.
LCBએ આ ગુનામાં હેમરાજ પ્રભુલાલ પ્રજાપતિ નામના ઇસમને ઝડપી પાડી પૂછતાછ આરંભી છે. પોલીસે હાલમાં તેના વિરુદ્ધ સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબની કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર GIDC મથકે સોંપવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રીક વેલ્ડીંગ મશીન નંગ-16 કિં.રૂ.2,72, 000 લાખ,મોબાઇલ નંગ-01 કિં.રૂ. 5,000 મળીને કુલ રૂ. 2,77,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.