Devbhumi Dwarka

વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેતા રાજ્યના મુખ્યમંત્રી

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના ભારે વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાતંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રાજ્યમાં પાછલા પાંચ દિવસથી વરસેલા વરસાદમાં સૌથી વધુ 944 મિલીમીટર વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો છે.

મુખ્યમંત્રી આ ભારે વરસાદ અને પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતા.

તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકિદ કરી હતી.

તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ.

આ માટે વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ જિલ્લાની વરસાદી સ્થિતિ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ-રાહત પગલાની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.

તદઅનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના મળીને 12 હજાર ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલ નુકસાન તેમજ માનવ જાનહાનિ અને પશુધન હાનિની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી.

આ જિલ્લામાં 8 મકાનો ઝૂંપડાઓને નુકસાન થયાની તેમજ 25 પશુમૃત્યુ, 1 માનવ મૃત્યુ અને બે વ્યક્તિઓને ઈજા થયાની જાણકારી પણ તેમણે મેળવી હતી

મુખ્યમંત્રીએ વરસાદ અટકે કે તુર્ત જ રાહતકામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.

દેવભૂમિ દ્વારકામાં 272 વીજ થાંભલાઓને વરસાદથી નુકસાન થયું છે અને 109 ગામોમાં અસર પડી છે તે પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બંધ થયેલા 40 જેટલા માર્ગોના રિપેરીંગ હાથ ધરી બનતી ત્વરાએ વાહન વ્યવહાર યુક્ત બનાવવાની સૂચનાઓ તેમણે આપી હતી.

મુખ્યમંત્રી સાથે આ બેઠકમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા ધારાસભ્યો, પદાધિકારીઓ, પ્રભારી સચિવ એમ. એ. પંડ્યા અને અધિકારીઓ જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

એબીએનએસ - દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હીના સ્પેશિયલ…

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *